Gujarat

મનરેગામાં ત્રણ મહિનાથી વેતન નહીં ચૂકવાતા કોંગ્રેસના ધરણાં

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
મનરેગામાં ત્રણ મહિનાથી વેતન નહીં ચૂકવાતા કોંગ્રેસના ધરણાં

હિંમતનગર તા. 10

સાબરકાંઠા જિલ્લા સહિત વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાના અંદાજે ૧૦ હજાર મનરેગાના લાભાર્થીઓને છેલ્લા ૩ માસથી મજુરીના નાણાં ચુકવવાના મામલે ૧૫ દિવસ અગાઉ ખેડબ્રહ્માના ધારાસભ્યએ આવેદન પત્ર આપી તાકીદે નાણાં ચુકવી આપવા રજુઆત કરવામાં આવી હતી અને જો નાણાં ન ચુકવવામાં આવે તો આ મામલે ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચિંમકી ઉચ્ચારાઈ હતી.

તંત્ર દ્વારા મનરેગાના લાભાર્થીઓને મજુરીના નાણાં ન ચુકવાતા ગુરૃવારે તેને પગલે ખેડબ્રહ્માના ધારાસભ્ય સહિત કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરતા  હિંમતનગર બી.ડિવિઝન પોલીસે તેમની અટકાયત કરવામાં આવી હતી.

વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાના અંદાજે ૪ હજાર અને સાબરકાંઠા જિલ્લાના કુલ ૧૦ હજાર મનરેગાના લાભાર્થીઓને મજુરીના નાણાં ન ચુકવવાને મામલે ૧૫ દિવસ અગાઉ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાબરકાંઠા જીલ્લા કલેકટર હિતેષ કોયાને આવેદન પત્ર આપી મજુરીના નાણાં તાકીદે ચુકવવા આવેદન પત્ર આપી માંગણી કરાઈ હતી. પરંતુ આજ દિન સુધી મનરેગાના લાભાર્થીઓને મજુરીના નાણાં ન ચુકવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત કોંગ્રેસના કાર્યકરતાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.

જેમાં ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યુ હતુ કે ખેડબ્રહ્મા અને પોશીનાના અંદાજે ૪ હજાર લાભાર્થીઓને છેલ્લા ત્રણ માસથી મજુરીનુ વેતન ન ચુકવાતા ગરીબ લાભાર્થીઓને જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવુ તેની સમસ્યા ઉભી થવા પામી છે. મનરેગા યોજનામાં કામ કરતા શ્રમીકોને દર અઠવાડીયે વેતન ચુકવવા તથા ઓછામાં ઓછી ૧૦૦ દિવસનુ કામ આપવાની માંગણી સાથે જણાવ્યુ હતુ કે આ પ્રશ્ન સાબરકાંઠા જિલ્લાનો નથી પરંતુ સમગ્ર ગુજરાતના મનરેગા શ્રમીકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા બાદ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે નહી તો આ મુદ્ે આવનાર દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી જાણ કરવાની ચિંમકી અપાઈ હતી.

હિંમતનગર બી. ડિવિઝન પોલીસે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત, લીલાબેન ડાભી, અશ્વીન સોલંકી, તરલીકાબેન ગમાર, કુમાર ભાટ અને યુસુફ બચ્ચા સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.