Gujarat

આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિધાનસભા ચૂંટણીની ચર્ચા

By GS Team
30 Oct 20211 min read
This article was originally published on 30 Oct 2021
આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિધાનસભા ચૂંટણીની ચર્ચા

આજે કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન શરૂ  કરશે

આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે લડત લડવા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક રવિવારે મળવા જઇ રહી છે. પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુદદે રણનીતિ ઘડવા ચર્ચા કરાશે. આ ઉપરાંત કોંગ્રેસ રવિવારથી સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરશે.

રવિવારે અમદાવાદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ બપોરે દોઢ વાગે કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત શહેર જિલ્લા પ્રમુખ,નગરપાલિકા-તાલુકાના પ્રમુખની બેઠક મળનાર છે.

સૂત્રોના મતે, આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે મોંઘવારીથી માંડીને અન્ય મુદ્દાઓને લઇને પ્રજા વચ્ચે જવા આંદોલનાત્મક કાર્યક્રમ ઘડવામાં આવશે. આ વખતે કોંગ્રેસે કાર્યકરોને કયા કયા મુદ્દાઓને લઇને  આંદોલનાત્મક કાર્યક્રમ કરવા તે અંગે તાલીમ આપવા ય નક્કી કરાયુ છે. આ બેઠકમાં અમદાવાદમાં યોજાનારી ચિંતન શિબિરને લઇને પણ ચર્ચા કરવામાં આવનાર છે. 

ખાસ કરીને સભ્ય નોંધણી અભિયાનને વેગવંતુ જ નહી, અસરકારક રીતે અમલ થાય તે માટે પણ કોંગ્રેસે આયોજન કર્યુ છે. ઉલ્લેખનીય છેકે, ગત વખતે સભ્ય નોંધણી માટે ધારાસભ્યોથી માંડીને સંગઠનના પદાિધકારીઓએ કોઇ ધ્યાન જ આપ્યુ ન હતુ જેથી આ મામલે છેક હાઇકમાન્ડ સુધી ફરિયાદો પહોચી હતી.