કોંગ્રેસે
બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી રજૂઆત કરી
ભાજપ
સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારમાં ફોર્મ નં.૦૭
ભરી દીધા હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર -
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
(સર)ની કામગીરી હાથ ધર્યા બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરી યાદીમાં સુધારા,
નામ ઉમેરવા, રદ કરવા માટે પણ પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ ૦૫ વિધાનસભા દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને
ચોટીલા તાલુકામાં મોટા પ્રમાણમાં અલગ અલગ વ્યક્તિઓના નામથી મતદારોના નામ રદ કરવા
માટે ફોર્મ નંબર ૦૭ ભરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ
મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઈરાદાપૂર્વક
ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર સાથે મીલીભગત થી કોંગ્રેસના
પ્રભાવવાળા વિસ્તારમાં મતદારોના નામ જ રદ કરવા માટે અરજી કરી હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં કુલ ૨૪,૦૦૦ જેટલા ફોર્મ નંબર ૦૭ ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો
છે.
આ
મામલે જિલ્લા કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે સભા યોજી જિલ્લા કલેક્ટર
સુધી પદયાત્રા અને રેલી યોજી જિલ્લા ક્લેક્ટર તેમજ એસ.પી. કચેરી ખાતે આવેદનપત્ર
પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી અને મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ ભરનાર તમામ
વ્યક્તિઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે, ફોર્મ ક્યાં પ્રિન્ટ
કરવામાં આવ્યા, સોફટવેરની તપાસ, ફોર્મ
નંબર ૦૭ કોણ જમા કરાવી ગયું?, ફોર્મ ભરેલ મતદારોના નામ રદ
કરવાને બદલે યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે ધરણા યોજી ઉગ્ર વિરોધ કર્યોે હતો.
તેમજ આ મામલે સરકાર દ્વારા આગામી ૦૩ દિવસમાં યોગ્ય ઉકેલ નહી આવે તો ૧૩ ફેબુ્રઆરીના
રોજ રસ્તા રોકો, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ
ઉચ્ચારી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


