Gujarat

સાકરીયા પાસે સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજુરીની ફરિયાદ

By GS Team
1 Jan 20221 min read
This article was originally published on 1 Jan 2022
સાકરીયા પાસે સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજુરીની ફરિયાદ

હિંમતનગર/મોડાસા, તા. 31

મોડાસા તાલુકાના સાકરીયા પાસે સરકારી તાલીમ કેન્દ્રના નિર્માણમાં બાળમજૂરીની ફરિયાદ ઉઠતાં આસીસ્ટન્ટ ગવર્નમેન્ટ લેબર ઓફીસર દ્વારા તપાસના આદેશ અપાયા છે. એક તરફ બાળમજૂરી નાબૂદ કરવાની મસમોટી વાતો થઈ રહી છે ત્યાં સરકારી ઈમારતના ચણતરમાં બાળકો પાસે મજૂરી કરાવી શોષણ કરવામાં આવતું હોવાની ગંભીર બાબતથી ટાસ્ક ફોર્સ અને ચાઈલ્ડ લાઈનને પોલીસને સાથે રાખી સ્થળ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં બાળમજૂરીનું દૂષણ કાયમી ઘર કરી ગયું છે.  કપાસના ખેતરોમાં બાળકો પાસે કરાવાતી મજૂરીના કારણે અગાઉ બાળમજદૂર અધિકારીઓની ટીમોએ ખેતરો ખૂંદ્યાં હોવા છતાં એક પણ બાળમજૂર મળી આવ્યો ન હતો ત્યાં હવે મોડાસાના સાકરીયા પાસે છેલ્લા કેટલાક સમયથી થયેલા તાલીમી ભવન કેન્દ્રના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરો દ્વારા બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.  સરકારી ઈમારતના નિર્માણમાં બાળમજૂરો પાસે કામ કરાવાતું હોવાનો વિવાદ વધુ વકરે તે અગાઉ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા આસીસ્ટન્ટ ગવર્નમેન્ટ લેબર ઓફીસર એસ. એસ. દૂબે દ્વારા શુક્રવારે આ મુદ્દે ટાસ્ક ફોર્સ અને ચાઈલ્ડ લાઈને તાત્કાલિક તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ ઉપર જો બાળમજદૂર મળી આવે તો પોલીસ ફરિયાદ કરવા માટે પણ સૂચના અપાઈ છે.