Gujarat

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં રોડ ઉપરના ખાડા, કચરો, દબાણ શોધવા AI ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે

By GS TEAM
16 Dec 20252 mins read
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં  રોડ ઉપરના ખાડા, કચરો, દબાણ શોધવા AI  ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે

અમદાવાદ,મંગળવાર,16 ડિસેમ્બર,2025

 કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં વાર્ષિક રુપિયા ૧૫,૫૦૦ કરોડનુ જંગી બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ મોડ ઉપર લઈ જવાના પ્રયાસ શરુ કરવામા આવ્યા છે.શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ખાડા,કચરો,ગંદકી કે સ્ટોલ સહિત અન્ય પ્રકારના દબાણ શોધવા એ.આઈ.ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે.કોર્પોરેશનની ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત ૪૧ વિવિધ પ્રકારની સમસ્યા શોધવા અને તેનુ નિરાકરણ એ.આઈ.બેઝ ટેકનોલોજીથી લાવવા બીડરો પાસેથી ઓફર મંગાવવામા આવી છે.

કોર્પોરેશન સંલગ્ન સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માળખાકીય સુવિધાઓ માટે  સ્ટાન્ડર્ડ ઈન્ટરનેશનલ ટ્રેડ કવોલીફિકેશન એ.આઈ.બેઝ સોલ્યુસન અને સર્વેલન્સની કામગીરી કરવા માટે બીડરો પાસેથી ઓફર મંગાવવામા આવી છે.અત્યારસુધી કોર્પોરેશન દ્વારા કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ મળતી ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદોના આધારે રોડ ઉપર પડેલા ખાડા પુરવા, પાણીની કે ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી મળતુ હોવા સહિતની ૧૫૦થી વધુ પ્રકારની લોકો તરફથી કરવામા આવતી પ્રાથમિક સુવિધાઓનો નિકાલ કરવામા આવી રહયો છે. વર્ષ-૨૦૧૩-૧૪થી સી.સી.આર.એસ. સિસ્ટમ અમલમા છે. હવે વર્ષ-૨૦૩૦માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન બન્યુ છે ત્યારે અત્યારથી જ ૪૧  પ્રકારની ફરિયાદોનું ડેશકેમ,કેમેરા તથા એ.આઈ.બેઝ સોફટવેર અને એપ્લિકેશન  અને ડેશબોર્ડની મદદથી ઉકેલવા માટેની કવાયત શરુ કરી દેવામાં આવી છે.

કયા પ્રકારની સમસ્યા એ.આઈ.ની મદદથી ઉકેલાશે?

 કોર્પોરેશન દ્વારા વિવિધ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની બાબત ઉપરાંત તૂટેલા સ્પીડબ્રેકર, બાંધકામ પ્રવૃત્તિ,આગની ઘટનાઓમાંરોડ ઉપર કરાતા આડેધડ વાહનોના પાર્કિંગ,હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવનારા વાહન ચાલકોને શોધવા,રોંગ સાઈડમાં વાહન હંકારવા, ઝીબ્રા ક્રોસીંગ,કન્સ્ટ્રકશન એન્ડ ડેબરીઝ વેસ્ટ, તૂટેલી ટ્રાફિક લાઈટ, તૂટેલા રોડ, તૂટેલા ટ્રી-ગાર્ડસ, ઉભરાતી ગટરો, રોડ ઉપરના ખુલ્લા વીજવાયર, ગેરકાયદે હોર્ડિંગ્સ,બેનરો શોધવા, તૂટેલી ફુટપાથ, તૂટેલા કે ગંદા સ્ટેચ્યુ, ટ્રાફિક સાઈનેઝ સહિતની સમસ્યા ઉકેલાશે.