જામનગર શહેર અને જિલ્લામાં આજથી બાલમંદિર અને આંગણવાડી સહિતમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

- કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને નાના બાળકો ઓફલાઈન શિક્ષણ મેળવવા હાજર થતાં ભૂલકાઓમાં કિલકિલાટ
જામનગર તા. 17
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ ઘટ્યા હોવાથી આખરે શિક્ષણ વિભાગ દ્વારા બાલમંદિર-આંગણવાડી સહીતમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાયા પછી જામનગર શહેર અને જિલ્લામાં પણ આજથી શિક્ષણકાર્ય શરૂ થયું છે, અને બાળકોનો કિલકિલાટ જોવા મળ્યો છે.

જામનગર શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારના નિયમ મુજબ તેમજ એસ.ઓ.પી.ના પાલન સાથે શહેરની આંગણવાડી, બાલમંદિર, લોઅર કે.જી. અપર કે.જી. સહિતમાં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
નાના ભૂલકાઓ પણ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં જોડાયા છે, અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરીને મોઢે માસ્ક બાંધીને સેનેટાઈઝરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ શાળા- બાલમંદિર તેમજ આંગણવાડીમાં પહોંચ્યા હતા. અને શિક્ષકો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવી હતી.
જોકે આજે પ્રથમ દિવસે નાના ભૂલકાઓની ખૂબ પાંખી હાજરી જોવા મળતી હતી, પરંતુ શાળામાં ઓફલાઈન શિક્ષણ તેમજ રમતગમતની પ્રવૃત્તિને લઈને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો.




