Gujarat

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત

By GS TEAM
14 Mar 20261 min read
વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત

- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક આઈશર ટેમ્પાના ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વહેરાખાડી નજીક બ્રિજ નંબર-૨૫ પાસે પાછળથી પુરઝડપે આવી રહેલા આઈશર ટેમ્પાએ બટાકા ભરેલા અન્ય એક ટેમ્પાને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

મૂળ પાટણના અને હાલ ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા યુસુફભાઈ બડાસાહેબ સૈયદ ગત રાત્રિના સુમારે લાડોલ (વિજાપુર)થી પોતાના આઈશર ટેમ્પામાં બટાકા ભરીને સુરત જવા નીકળ્યા હતા. વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ એક્સપ્રેસ હાઈવે પર વહેરાખાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા અન્ય એક આઈશર ટેમ્પાના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી યુસુફભાઈના ટેમ્પાને પાછળથી ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળથી ટક્કર મારનાર આઈશર ટેમ્પાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટક્કર મારનાર ટેમ્પાના ચાલકનું ડ્રાઈવર સીટ પર જ ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ટેમ્પામાં તેલના ડબ્બા ભરેલા હોવાથી અકસ્માત બાદ હાઈવે પર તેલ ઢોળાવવાનું પણ શરૂ થયું હતું. ઘટના બાદ ગભરાઈ ગયેલા યુસુફભાઈએ રાહદારીઓની મદદ લઈ ખંભોળજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે મૃતક આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.