હિમાચલ, ઉત્તરાખંડમાં ૩ સપ્તાહ નીલ : ગત સપ્તાહે 4 ગણો વરસાદ! 1 દિવસમાં વડોદરામાં 7, અમદાવાદ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વેરાવળમાં 3થી 4 સે.નો ઘટાડો, રાજકોટ, પોરબંદર, ભૂજ યથાવત્ ઠંડી
રાજકોટ, : ગઈકાલે દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડા બાદ આજે ફરી ત્યાં પણ વધારો થયો હતો તો રાજકોટ સહિતના સ્થળે ઠંડીનું જોર જારી રહ્યું હતું. ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના કારણે વરસાદ,હિમવર્ષાના પગલે રાજ્યમાં હજુ હવામાન સ્થિર નહીં રહે. મોસમ વિભાગ અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી તાપમાનમાં 3થી 5 સે.નો વધારો થવા સાથે ઠંડી ઘટવાની પરંતુ, ત્યારપછીના 3 દિવસમાં 2થી 3 સે.નો ઘટાડા સાથે ફરી ઠંડી વધવાની આગાહી છે.
આજે વડોદરામાં એક દિવસમાં જ તાપમાન 18 સે.થી ઘટીને 11.8 સે. સાથે 7.2નો ઘટાડો નોધાયો હતો. જ્યારે 3થી 4 સે. તાપમાનમાં ઘટાડા સાથે આજે અમદાવાદ અને ભાવનગર 13.6, ગાંધીનગર 12.5, સુરત 15.1, વલ્લભવિદ્યાનગર 13, વેરાવળ સોમનાથમાં 14.8 સે.તાપમાને ઠંડી અનુભવાઈ હતી. તો કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી નીચું 7 સે., ભૂજ અને રાજકોટમાં 11, પોરબંદર, કેશોદ અને અમરેલીમાં 12 સે.,તાપમાને આ સ્થળે આંશિક ફેરફાર સાથે કડકડતી ઠંડીનું જોર જારી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત જેવો જ આશ્ચર્યજનક વરસાદ અન્યત્ર પણ આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ કે જ્યાં જાન્યુઆરીના પુરા ત્રણ સપ્તાહ એટલે કે તા. 21 જાન્યુઆરી સુધી વરસાદની 95થી 100 ટકા સુધીની ખાધ હતી, એટલે કે મોટાભાગના સ્થળે વરસાદ કે બરફવર્ષા નોંધાયા ન્હોતા તે સામે ગત એક સપ્તાહમાં જ જમ્મુ કાશ્મીરમાં 3 ઈંચ અને હિમાચલ પ્રદેશમાં 94 મિ.મિ. (આશરે 4 ઈંચ) વરસાદ નોંધાયો હતો જે આ સપ્તાહના નોર્મલ વરસાદ કરતા 4 ગણો છે. આમ, એક સાથે મેઘરાજાએ વરસાદનો હિસાબ સરભર કરી દીધો છે.
મોસમ વિભાગ અનુસાર તા. 30 જાન્યુઆરીની રાત્રિએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરશે જેની અસરથી ત્યાં તેમજ જમ્મુ કાશ્મીર સહિતના સ્થળે વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. આ વરસાદની અસર ગુજરાતના હવામાનમાં પણ આંશિક રીતે થતી રહી છે.


