છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક?

Gandhinagar News: ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની પ્રક્રિયા તેજ બની છે. આજે(16 ઓક્ટોબર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જ્યારે આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત: સૂત્ર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેની અગાઉથી નિશ્ચિત મુલાકાત રદ કરાઈ છે. જોકે, આવતીકાલે(17 ઓક્ટોબર) સવારે 9 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી રાજ્યપાલને મળી શકે છે. આ દરમિયાન તેઓ જૂના મંત્રીમંડળના રાજીનામા અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે.
અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક: સૂત્ર
સૂત્રોના અનુસાર, અગાઉ 75 ટકા મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાઓ હતી. પરંતુ હવે છેલ્લી ઘડીના ફેરફારોના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અગાઉથી નિશ્ચિત મુલાકાત રદ કરાઈ છે. જેમાં હવે અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે. જૂનાને રિપીટ કરીને નવા સાથે સમાવવા આવે તો મંત્રીમંડળનું કદ વધે તેવી શક્યતા છે.
જે.પી.નડ્ડા સાથે જગદીશ પંચાલ અને મુખ્યમંત્રીની બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુરૂવારે ગુજરાતની મુલાકાતે આવ્યા. અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગરમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોવા મળ્યા હતા. મોડી રાત્રે મુખ્યમંત્રી આવાસ ખાતે જે.પી. નડ્ડા, જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતાઓ છે. જેમાં મંત્રમંડળની રચના અને પસંદગીને લઈને ચર્ચા થઈ શકે છે.
કેવું હોઈ શકે છે મંત્રીમંડળ?
ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે અને મંત્રીમંડળમાં અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રી સામેલ હતા. જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય મંત્રી હતા. ત્યારે હવે એવી શક્યતાઓ છે કે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રી હોય શકે છે. જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે, તેમને ફોનના માધ્યમથી માહિતી આપી દેવાશે.
એવી ચર્ચા થઈ રહી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ મોકો મળવાની આશા છે. જેમાં કોંગ્રેસથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. બીજી તરફ એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગરમાં નવી ટીમમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો
જણાવી દઈએ કે, જૂના મંત્રીઓએ સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન પણ કરી દેવાયા છે. આ સિવાય નવા મંત્રીઓ માટે PA અને PSની નિમણૂકો પણ કરી દેવાઈ છે. ત્યારે હવે આવતીકાલે જ નવા મંત્રીઓના નામ સામે આવશે.