ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો

New Face in Gujarat Cabinet : ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી છૂટા પડેલા નવા રચાયેલા વાવ-થરાદના રાજકીય સમીકરણોની વિશેષ ચર્ચા છે. બનાસકાંઠાના ઠાકોર સમાજમાંથી ચાર મોટા દિગ્ગજ નેતા છે, ત્યારે સમીકરણ પ્રમાણે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે, તો બીજી તરફ નવા જિલ્લા વાવ-થરાદમાંથી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી અટકળો છે. જાણો શું છે સમીકરણો?
ઠાકોર સમાજના સમીકરણોનું સંતુલન સાધવાનો પ્રયાસ
રાજકીય વિશ્લેષકોના મતે, અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ભાજપ રાજ્યમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જાળવી શકશે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયેલા નેતા હોવા છતાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન તરીકે જાણીતા છે. સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયેલા નેતા છે, જે ઉત્તર ગુજરાતની મહત્ત્વની બનાસકાંઠા જિલ્લાની બેઠક છે અને હવે નવા જાહેર કરાયેલા વાવ-થરાદ જિલ્લાનો પણ ભાગ છે. આ રીતે, ભાજપ ઠાકોર સમાજનું સમર્થન અને રાજકીય સંતુલન જાળવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા, નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની અટકળો
કોઈ એક પક્ષનો નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસતી વધારે છે. ઉત્તર ગુજરાતની બેઠકો સામાન્ય રીતે કોઈ રાજકીય પક્ષનો નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ ગણાય છે. આ મત વિસ્તારોનો રાજકીય ઇતિહાસ સાક્ષી છે કે, અહીં ઠાકોર સમાજનું એક તરફી મતદાન રાજકીય ઉથલ-પાથલ સર્જી શકે છે, જેથી રાજકીય પક્ષોએ સંતુલન રાખીને બેઠકોની વહેંચણી કરવી પડે છે
નવા જિલ્લાના લોકોને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે
ગુજરાત સરકારે તાજેતરમાં વાવ-થરાદને જોડીને નવા જિલ્લાની રચનાની જાહેરાત કરી છે. નવા જિલ્લાની જાહેરાતની સાથે જ ત્યાંના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન આપીને ભાજપ એક મજબૂત રાજકીય સંદેશ આપી શકે છે. સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવીને ભાજપ નવા જિલ્લામાંથી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપી સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે. આ નિર્ણય નવા જિલ્લાના રહેવાસીઓને ખુશ કરી શકે છે.
મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અલ્પેશ ઠાકોર થયા હતા સક્રિય
અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાને પુનઃસક્રિય કરવા પ્રયત્નશીલ છે. તેમણે 20 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવી હતી, જેમાં 500થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીમંડળમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કેવી રીતે મજબૂત કરી શકાય તેની પણ ચર્ચા થઈ હતી. આ સંજોગોમાં ઠાકોર સમાજને પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળે તો રાજકીય ગરમાવો સર્જાઈ શકે છે. જો કે, ભાજપ ઠાકોર સમાજના અગ્રણીઓને પક્ષ કે સંગઠનમાં મોટી જવાબદારી આપીને સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કરી શકે છે.
નોંધનીય છે કે, આ તમામ અટકળો અને સમીકરણો સૂચવે છે કે જો મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થશે, તો તેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના પ્રતિનિધિત્વને લઈને મોટો ફેરફાર થઈ શકે છે.