નવા મંત્રીઓ માટે એડવાન્સ તૈયારીઓ, હંગામી PA-PS ફાળવાયા, પડતાં મૂકાયેલા મંત્રીઓ સાથે CMની થશે બેઠક

Gandhinagar News : ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયામાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા આપી દીધા છે. જ્યારે આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) નવા મંત્રીમંડળની શપથવિધિ થશે. તેવામાં રાજીનામું આપનારા મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરીને ગાડી અને બંગલા જમા કરાવાની શરૂઆત કરી છે. જ્યારે નવા મંત્રીઓ માટે હંગામી પી.એ. અને પી.એસ.ની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજીનામા બાદ મંત્રીઓએ ઓફિસ ખાલી કરી
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યા બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા છે, ત્યારે આ મંત્રીઓ પોતાની ઓફિસ ખાલી કરી નાંખી છે. તેવામાં નવા મંત્રી મંડળની શપથવિધિ પહેલા આવતીકાલે શુક્રવારે શપથ લેનારા નવા મંત્રીઓને ગાડી અને બંગલો ફાળવવા માટે સામાન્ય વહીવટ વિભાગને સૂચના આપવામાં આવી છે.
જ્યારે વિભાગ મુજબ અધિકારીની ફાળવણી કરવામાં આવી છે. જેમાં હંગામી રીતે 35-35 અધિકારીઓ ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નવા મંત્રીમંડળમાં 20થી 21 મંત્રીઓની સંખ્યા રહેવાની શક્યતા છે. પડતાં મૂકાયેલા મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ
જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.