Gujarat

ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ

By GS TEAM
4 Feb 20262 mins read
ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ

ધાબડિયા વાતાવરણથી ધરતીપુત્રોના જીવ ફરી તાળવે ચોંટયા

વાતાવરણમાં સુધારો નહીં થાય તો ૭૦ હજાર હેક્ટરમાં જીરું અને ઇસબગુલના પાક નિષ્ફળ જવાની શક્યતા

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વાદળછાયું ધાબડીયું વાતાવરણ સર્જાતા ફરી ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતા. વાતાવરણમાં પલટો આવતા જીરું અને ઈસબગુલના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને જો વાતાવરણમાં સુધારો નહીં થાય તો જીરું અને ઈસબગુલનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લમાં ચાલું વર્ષે ખેડૂતોએ અંદાજે ૨.૬૦ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં જીરું, ઘઉં, ચણા, ઈસબગુલ સહિતના પાકનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ જીરુંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં જીરું અને ઇસબગુલનું કુલ વાવેતર અંદાજે ૭૦ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા જીરુંના પાકમાં રોગ આવતા ખેડૂતોએ મોંઘા ભાવની દવાનો છંટકાવ કરી જીરુંના પાકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરતું કુદરત જાણે ખેડૂતોથી રૃઠી હોય તેમ તાજેતરમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા અને ભેજવાળું વાતાવરણ સર્જાતા જીરુંમાં સુકારા અને લીલીયા નામનો રોગ આવતા ખેતરોમાં તૈયાર થયેલ જીરુંનો ઊભો પાક સુકાવા લાગ્યો છે તેમજ આ વાતાવરણના કારણે ઈસબગુલના પાકમાં પણ વ્યાપક નુકસાન પહોંચે તેવી શક્યતા છે. જીરુંમાં સુકારાના રોગના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

હાલ વાદળછાયું વાતાવરણ છે તેના કારણે જીરુંના ઉત્પાદનમાં અંદાજે ૬૦થી ૭૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને આવું જ વાતાવરણ રહેશે તો આગામી દિવસોમાં જીરું અને ઇસબગુલનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે જગતનો તાત કુદરત સામે ફરી એકવાર લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.