પોશીના તાલુકામાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદનું ઝાપટું

પોશીના, હિંમતનગર, તા.
22
રાજ્યમાં ૧૮ થી ૨૨ જાન્યુઆરી વચ્ચે કમોસમી માવઠું થવાની
આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇ સાબરકાંઠા જિલ્લાના પોશીના
તાલુકામાં પણ શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભર શિયાળે મોસમે
કરવટ બદલતા વાદળછાયુ વાતાવરણ ઘેરાયું હતું અને રાત્રી દરમિયાન કમોસમી માવઠું થયું
હતું. પોશીના સહિત તાલુકાના આસપાસના વિસ્તારો તેમજ અંતરિયાળ ગામોમાં શુક્રવારની
રાત્રે દસ વાગ્યા પછી વરસાદી ઝાપટું થયું હતું.
શનિવારે પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને બર્ફીલા
પવનો ફૂંકાતા ગ્રામજનો ઘરમાં પુરાઈ રહ્યા હતા. કમોસમી વરસાદથી રાયડો, વરિયાળી
અને જીરું સહિતના રવી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેથી ખેડૂતોની ચિંતામાં
વધારો થયો છે. જિલ્લામાં નવા વર્ષના આરંભે પ્રથમ મહિનામાં જ કુદરતે
માવઠાનો બીજો ડોઝ આપતાં ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણના કારણે કેટલાક
પાકમાં રોગચાળો વકરવાની દહેશત છે. આ સંજોગોમાં ખેડૂતોને જરૂરી દવાનો છંટકાવ કરવા
ખેતી વિભાગે આગોતરી સૂચના આપી છે. તા.રર જાન્યુઆરીથી જિલ્લાના આકાશમાં ચોમાસુ શરૂ
થવાની હોય તે રીતે વાદળો ઘોરંભાયાં અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા
વરસ્યાના પણ અહેવાલ છે.
જો કે કમોસમી માવઠું વરસ્યું ન હોવાથી બપોર સુધી તો ખેડૂતો
અને શુભ પ્રસંગના આયોજકોને રાહત થઈ હતી. જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૬ થી ૭ ડિગ્રી
ઉંચકાતાં સતત ત્રીજા દિવસે પ્રજાને ઠંડીમાં રાહત જોવા મળી પરંતુ મોટાભાગનો રવી પાક
તૈયાર થયો નથી અને ઠંડી અદ્રશ્ય થવા લાગતાં રવી ખેતી કરનારા ખેડૂતોમાં ચિંતા
પ્રસરી છે.
વાદળો વિખેરાયા પછી કાતિલ ઠંડીની આગાહી
આગામી ૪૮ કલાકમાં જિલ્લા ઉપર ઘેરાયેલાં કમોસમી માવઠાનાં
વાદળો વિખેરાયા પછી કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. અગાઉ હવામાન વિભાગ
દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં
વાતાવરણમાં પલ્ટો આવી કમોસમી વરસાદની આગાહી કરી હતી જેથી પ્રજાએ હવે બે દિવસ પછી
ગરમ વસ્ત્રો પહેરવાની તૈયારી કરવી પડશે.




