Gujarat

કેબિનમાંથી ઉતરતી વેળાએ ટાયર નીચે ચગદાઈ જતા ક્લિનરનું મોત

By GS TEAM
13 Mar 20261 min read
કેબિનમાંથી ઉતરતી વેળાએ ટાયર નીચે ચગદાઈ જતા ક્લિનરનું મોત

બારેજડીથી બારેજા રોડ પર અકસ્માત

ખેડા ટાઉન પોલીસ દ્વારા ગાડીના ચાલકની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ: બારેજડીથી બારેજા રોડ પર લાલી ચોકડી નજીક આઇસર પલટી જતા કેબિનમાંથી ઉતરવા જતા ક્લિનર પર પાછળનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દસકોઈ તાલુકાના નાદેજમાં રહેતા કિશનભાઇ સુરેશભાઈ કાંગસિયા આઇસર ગાડી લઇ જેતલપુર રાઇસ મીલમાં જતા હતા. આ દરમિયાન બારેજડીથી બારેજા રોડ ઉપરથી રાત્રિના અઢી વાગ્યાના સુમારે ગાડી પસાર થતી હતી, ત્યારે લાલી ચોકડી નજીક આઇસર ગાડી ગટરમાં ઉતરી પડતા ક્લિનર રાજ કાંગસિયા કેબિનનો દરવાજો ખોલી નીચે ઉતરવા જતા હતા, ત્યારે આઇસર ગાડીનું પાછળનું ટાયર ફરી વળતા રાજ રમેશભાઈ કાંગસિયા (ઉં. વ.૨૦)નું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે દિનેશભાઈ અરજણભાઈ કાંગસિયાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે આઇસર ગાડીના ચાલક કિશનભાઇ કાંગસિયા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.