Get The App

વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા 1 - image


Dabhoi News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે આજે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવવાના મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયાનું ઉમેદવારી પત્ર ધાક-ધમકી કે દબાણ વશ પાછું ખેંચાવવા માટે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમનો પુત્ર પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ કોંગ્રેસના કાર્યકરોને થઈ હતી. આ સમાચાર મળતા જ ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સાઠોદ ગામના રહીશો તાલુકા પંચાયત કચેરીએ ધસી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની 'દાદાગીરી' સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ધારાસભ્ય અને તેમના પુત્ર સાથે ઝપાઝપી

મામલો એટલો બિચક્યો હતો કે 15-20 મિનિટ સુધી કચેરીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉશ્કેરાયેલા ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકરોએ ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમના પુત્રને ધક્કે ચડાવ્યા હતા. રાજકીય પ્રતિષ્ઠાના જંગમાં બંને પક્ષો સામસામે આવી જતાં મામલો ગંભીર બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

કોંગ્રેસના આક્ષેપો

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ ભાજપ પોતાના ઉમેદવારોને બિનહરીફ બનાવવા માટે લોકશાહીનું હનન કરી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ચૂંટણી મેદાનમાંથી હટાવવા માંગે છે. પોલીસે હાલ બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.