Rajkot

ટંકારામાં રાજકોટ-મોરબી હાઇ-વે પર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાતાં ટ્રાફિક જામ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનના 13મા દિવસે ટંકારામાં મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ થયો હતો. શાપર, રંગપર, વાઘરવા અને જીવાપરના ખેડૂતો અશ્વસવારી કરીને જેતપર પહોંચ્યા. હળવદના વેપારીઓ અને ખેડૂતોએ પણ એક દિવસ માટે યાર્ડ બંધ રાખી, વાહન રેલી દ્વારા જેતપર આંદોલનને સમર્થન આપ્યું. ભાયાવદર પંથકના ખેડૂતો પણ ટેકો આપવા જેતપર પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટંકારામાં રાજકોટ-મોરબી હાઇ-વે પર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાતાં ટ્રાફિક જામ

મોરબીના જેતપરમાં ચાલતાં ઉપવાસ આંદોલનના સમર્થનમાં

શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર ગામના ખેડૂતો અશ્વસવારી કરીને જેતપરની ઉપવાસી છાવણીએ પહોંચ્યા

મોરબી: જેતપર ઉપવાસ આંદોલનના ૧૩ માં દિવસે આજે ખેડૂત આંદોલનનના સમર્થનામાં ટંકારામાં મોરબી -રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી હાઈ-વે પર વાહનોની અવરજવર અટકી ગઇ હતી. જ્યારે શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર ગામના ખેડૂતો અશ્વસવારી કરીને જેતપર પહોંચ્યા હતા, તથા આંદોનલને ટેકો જાહેર કર્યા હતો.
મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો સતત ૧૩ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. સરકારના ચર્ચા માટેના આમંત્રણને ખેડૂતો અગાઉ ઠુકરાવી ચુક્યા છે.અને લેખિત પરિપત્રની માંગણી બાદ જ ચર્ચા કરવા પર ખેડૂતો મક્કમ છે. અને જેતપર આંદોલનને અન્ય જિલ્લાઓમાંથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. અનેકવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે.
જેતપર ઉપવાસ આંદોલનના ૧૩માં દિવસે આજે ખેડૂત આંદોલનના સમર્થનમાં કિસાન કોંગ્રેસ દ્વારા ટંકારામાં મોરબી -રાજકોટ હાઈ-વે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી હાઈ-વે પર વાહનોના પૈડા થંભી ગયા હતા. જોકે ચક્કાજામ મામલે ઉપવાસી છાવણીમાંથી અલગ સુર જોવા મળ્યો હતો. કિસાન કોંગ્રેસના રસ્તા રોકો કાર્યક્રમને જેતપર ઉપવાસી છાવણી દ્વારા કોઈ પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું નથી. તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી
આજે શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર ગામના ખેડૂતો અશ્વ સવારી કરીને જેતપર પહોંચ્યા હતા. ઘોડે સવારી કરી ઉપવાસી છાવણીએ પહોંચી આંદોલનને સમર્થન આપ્યું હતું.

  • આજે હળવદ યાર્ડ બંધ, જેતપર સુધી ખેડૂતો, વેપારીઓની વાહન રેલી
    હળવદ યાર્ડ ખાતે બેઠક યોજી જેતપર ગામે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં હળવદના વેપારીઓ, ખેડૂતોએ તા. ૧ના હળવદ માર્કેટિંગ યાર્ડ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. તથા હળવદ યાર્ડ ખાતેથી ટ્રેક્ટર, બાઈક, કાર સહિતના વાહનો સાથે જેતપર સુધી વિશાળ સમર્થન રેલી યોજી ખેડૂતોને નૈતિક ટેકો આપવામાં આવશે. જેમાં તાલુકા ભરના મોટી સંખ્યામાં ખેડૂતો,વેપારીઓ જોડાશે.
  • હળવદમાં ખેડૂતો-સરપંચો દ્વારા કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર
    હળવદ તાલુકામાં વીજપોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. હળવદ મામલતદાર કચેરી ખાતે વીજ લાઇન અંગે મોરબી જિલ્લા કલેક્ટર સાથે યોજાયેલી બેઠકનો હળવદ તાલુકાના ૨૨થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.બેઠકમાં હાજરી આપવા આવેલા ભાજપના આગેવાનોને ખેડૂતોએ આડે હાથ લેતા વાતાવરણ ગરમાયું હતું.
  • ભાયાવદર પંથકના ખેડૂતો આંદોલનને ટેકો આપવા જેતપર પહોંચ્યા
    જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ટેકો આપવા પાનેલી નાની સિંચાઇ પિયત સહકારી મંડળી ના નેજા હેઠળ ભાયાવદર, ખારચિયા, પાનેલી, રબારીકા અને કોલકી ગામના ખેડૂતો જેતપર ખાતે પહોંચ્યા હતા.