Gujarat

અમદાવાદ મ્યુનિ.ની કચેરીઓમાં વીજ વપરાશ અંકુશને લઈ ફરી પરિપત્ર કરાશે

By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022
અમદાવાદ મ્યુનિ.ની કચેરીઓમાં વીજ વપરાશ અંકુશને લઈ ફરી પરિપત્ર કરાશે

  અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં વાડ જ ચીભડા ગળી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે.મ્યુનિ.કચેરીઓમાં જરુર ના હોય એવી પરિસ્થિતિમાં પંખા,એ.સી.સહિતના ઈલેકટ્રીક ઉપકરણ બંધ રાખવા પરિપત્ર કરાયા બાદ પણ તેનું પાલન થતુ ના હોવાથી આ અંગે ફરી પરિપત્ર કરાશે.રીવરફ્રન્ટ ઉપર બંધ એવા ૪૨ સી.સી.ટી.વી.કેમેરા ચાલુ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં અગાઉ આપવામાં આવેલી સુચનાનું પણ પાલન કરવામાં આવ્યુ નથી.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષ બારોટે સ્વીકાર કર્યો હતો કે,મ્યુનિ.ની મુખ્ય કચેરી સહિતની તમામ ઝોન અને વોર્ડ કચેરીઓમાં રીસેશના સમયે કે કચેરીમાં કોઈ હાજર ના હોય એવા સમયે લાઈટ ઉપરાંત પંખા અને એ.સી.બંધ રાખવા પરિપત્ર કરી સુચના આપવામાં આવી હતી પરંતુ તેનુ પાલન કરવામાં આવતુ નથી.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં મ્યુનિ.દ્વારા છ હજાર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે.પરંતુ રીવરફ્રન્ટ ઉપરના ૪૨ સી.સી.ટી.વી.કેમેરા હજુ બંધ હોવાથી આ કેમેરા ચાલુ કરવા તંત્રના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.વંદેમાતરમ ગાર્ડનમાં ત્રણ વર્ષથી દુકાનો બનાવી દેવાઈ છે.પરંતુ આ દુકાનો એસ્ટેટ વિભાગને ફાળવવામાં આવી ના હોવાથી તેની ફાળવણી થઈ શકતી નથી.જેથી તાકીદે આ દુકાનોની એસ્ટેટ વિભાગને ફાળવણી કરવા સુચના અપાઈ છે.શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી ફોગીંગની કામગીરી અસરકારક બનાવવા ઉપરાંત કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલી અટલ એકસપ્રેસ ટ્રેનના પાટા બદલવાની ડેબરીઝનો તાકીદે નિકાલ કરવા તથા બોપલ-ઘુમા વિસ્તારમાં સફાઈ કામગીરી વધુ અસરકારક બનાવવા સુચના આપવામાં આવી છે.