Gujarat

પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ

By GS TEAM
8 Sep 20251 min read
પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ

  અમદાવાદ, સોમવાર,8 સપ્ટેમબર,2025

અમદાવાદમાં ગટર સફાઈ કરતી મંડળીઓએ દસ દિવસથી અમદાવાદ પૂર્વ અને ઉત્તરઝોન વિસ્તારમાં આવેલી ગટરોની સફાઈ કરવાની કામગીરી બંધ કરી દીધી છે.પ્રતિ કામદાર રુપિયા ૩૦ લાખનો વીમો લેવા,બાયો મેટ્રીક હાજરી પુરવા તથા પી.પી.ઈ.કીટ પહેરવા સહીતના નિયમો લાગૂ કરવા સામે વિરોધ વ્યકત કરવા બંને ઝોનમાં દસ દિવસથી મંડળીઓ ગટર સફાઈ કામગીરીથી અળગી થઈ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.સાત દિવસમાં અમલ નહીં કરનાર મંડળીની કામગીરી બંધ કરવા પરિપત્રમાં ચેતવણી અપાઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મેન્યુઅલ સ્કેવેન્જિંગ એકટ અંતર્ગત જારી કરવામા આવેલી ગાઈડલાઈન મુજબ અમલ કરવા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વોટર રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા  તમામ સાત ઝોનમાં જાણ કરવામા આવી છે.પરિપત્રના પગલે પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં ડિસિલ્ટીંગની કામ કરતી મંડળીઓ કામગીરીથી અલિપ્ત થઈ ગઈ છે.ગોમતીપુર વોર્ડના કોર્પોરેટરે કહયુ, આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે.વિવિધ સોસાયટીઓ,ચાલીઓમાં ગટરો ઉભરાશે,રહીશો વિવિધ પ્રકારની બિમારીના ભોગ બનશે.પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદો પણ વધશે.જેથી કોર્પોરેશને કોઈ નકકર કાર્યવાહી કરવી જોઈએ.મંડળીઓ તરફથી સમયસર નાણાંની ચૂકવણી કરવા,ડિસિલ્ટીંગ કરેલી માટી નજીકમાં નાંખવાની વ્યવસ્થા કરવા,એક શિફટ દીઠ રુપિયા ૧૪૭૫ના બદલે રુપિયા ચાર હજાર કરવા તથા લઘુત્તમ વેતન ફીકસ કરવા સહીતની માંગણી કરાઈ છે.