લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ, મુખ્ય રસ્તાને અવગણી સાંસદના ગામના રસ્તાને મહત્વ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: લાઠીથી અમરેલીને જોડતા નેશનલ હાઈવે પર ટોડા ગામ નજીક આવેલો કોઝવે હાલ વાહનચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ વ્યસ્ત હાઈવે પરથી રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, છતાં અહીં કોઝવે પર કોઈ પણ પ્રકારની રેલિંગ ન હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મુખ્ય માર્ગની ઉપેક્ષા કરીને નજીકમાં જ આવેલા સાંસદના ગામ જરખીયાના પાટિયા પાસે નવો પુલ બનાવવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યો છે.
લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીથી ગાંધીનગર જવા માટે આ મુખ્ય માર્ગ હોવાથી ધારાસભ્યો અને સાંસદ પણ અવારનવાર અહીંથી જ પસાર થાય છે. ટોડા નજીક આવેલા આ કોઝવે નીચેથી નદી વહે છે. ચોમાસા દરમિયાન નદીના પૂરના પાણી વારંવાર કોઝવે પર ફરી વળે છે. તે સમયે પાણી અને રોડ એક થઈ જતા હોવાથી અને સાઈડમાં કોઈ રેલિંગ ન હોવાને કારણે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થાય છે.

ઘણીવાર પૂરની સ્થિતિમાં આ નેશનલ હાઈવે થોડી વાર માટે બંધ રાખવાની નોબત પણ આવે છે. સ્થાનિકોની માગ છે કે અહીં નવો પુલ બનાવવામાં આવે અથવા તાત્કાલિક મજબૂત રેલિંગ ફિટ કરવામાં આવે.
મુખ્ય રસ્તાને અવગણી સાંસદના ગામના રસ્તાને મહત્ત્વ
બીજી તરફ, આ જ કોઝવેની બિલકુલ નજીક આવેલા જરખીયા ગામના પાટિયા પાસે નવો પુલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જરખીયા ગામ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાનું વતન છે. આ બાબતને લઈને પંથકના લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, હજારો વાહનોની અવરજવર વાળા મુખ્ય નેશનલ હાઈવેના જોખમી કોઝવેની રેલિંગનુ કામ કરવાને બદલે સાંસદે પોતાના ગામ તરફ જવાના રસ્તા પરના પુલને વધુ મહત્ત્વ આપ્યું છે.

તંત્ર દ્વારા જનતાની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને ટોડા નજીકના આ જોખમી કોઝવે પર વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.









