Gujarat

પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ માર મારી રિક્ષા ચાલકને લૂંટી લીધો

By GS TEAM
23 Feb 20261 min read
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ માર મારી રિક્ષા ચાલકને લૂંટી લીધો

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી મધરાતે વાહન ચાલકોને માાર મારી લૂંટી રહી છે. છારાનગરથી લૂંટારુઓ પેસેન્જરના સ્વાંગમાં  રિક્ષામાં બેઠા હતા અને  રિક્ષા ચાલકને મધરાતે કઠવાડા તળાવ પાસે લઇ ગયા અને માર મારી ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઇલ અને રોકડા રૃા.૧,૫૦૦ સહિત રૃા. ૩,૦૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 કઠવાડા તળાવ પાસે લઇ જઇ લાફા મારીને ડરાવી ધમકાવીને મોબાઇલ અને રોકડા રૃા. ૧,૫૦૦ સહિત રૃા.૩૦૦૦ લૂંટી લીધા 

વસ્ત્રાલમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા.૧૭--૧૨-૨૫ના રોજ  છારાનગર ફાટક પાસે પેસેન્જરોને ઉતારીને આવતા હતા ત્યારે આરોપીઓ સિંગરવા જવાનું કહીને રિક્ષામાં બેઠા હતા અને મિત્રને લેવાનો છે કહીને નરોડા બેઠક પાસે લઇ ગયા હતા.

ત્યાં કોઇ મિત્ર આવતા મધરાતે કઠવાડા તળાવ પાસે અવાવરુ સ્થળે ગયા બાદ રિક્ષા ઉભી રખાવીને તારી પાસે જે કંઇ હોય તે આપી દે નહી તો મારવો પડશે તેમ કહીને યુવકને રિક્ષામાંથી ઉતારી દીધા બાદ લાફા મારીને ડરાવી ધમકાવીને મોબાઇલ અને રોકડા રૃા. ૧,૫૦૦ સહિત રૃા.૩૦૦૦ લૂંટી લીધા હતા.