Gujarat

જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો

By GS TEAM
21 Sep 20252 mins read
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો

- ભાવેણાએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો

- કલેક્ટરની દિકરીએ પણ પીએમને પોસ્ટર આપ્યું

ભાવનગર : ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ભાવેણાવાસીઓએ વડાપ્રધાન પ્રત્યે પોસ્ટર વડે પ્રેમ વરસાવ્યો હતો. જેમાં એક બાળક પીએમને પોસ્ટર આપીને ભાવુક થયો હતો. ઉપરાંત કલેક્ટકની પુત્રીએ તથા અન્ય એક બાળકે પણ તેમને પોસ્ટર આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સભામાં 'હું છું ભારત, હું છું ભાવનગર' પોસ્ટર છવાયું હતું.

શહેરના જવાહર મેદાન ખાતે આયોજીત વડાપ્રધાનના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાવેણાવાસીઓએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો હતો. જેમાં નાગધણીબા ગામના રવિ પરમાર નામના બાળકે તૈયાર કરેલું વડાપ્રધાનનું પોસ્ટર સભા દરમિયાન પીએમને આપવા માટે ઉંચું કર્યું હતું. જે જોઈને વડાપ્રધાને પોલીસકર્મીઓને બાળક પાસેથી પોસ્ટર લઈ લેવા સુચના આપી હતી. જે બાદ રવિ પરમાર ભાવુક થઈ જતાં વડાપ્રધાને નહી રડવાનું જણાવ્યા બાદ જણાવ્યંા હતું કે, નાના બાળકોનો પ્રેમ મળે તેનાથી મોટી જીવનની મૂડી શું હોઈ શકે. ઉપરાંત ભાવનગર કલેક્ટરના દિકરી જૈસ્મીકા મનીષકુમાર બંસલે વડાપ્રધાનના બાળપણથી અત્યાર સુધીના ફોટો કલેક્શનનું પોસ્ટર વડાપ્રધાનને આપ્યું હતું. આ સિવાય એક બાળકે વડાપ્રધાનનો માતા સાથેના ફોટાનું એક પોસ્ટર અને એક બાળકીએ ઓપરેશન સિંદુરનું પોસ્ટર વડાપ્રધાનને આપ્યું હતું. વડાપ્રધાને બાળકોના આ પ્રેમ માટે તેમને પત્ર લખવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત પણ સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો 'હું છું ભારત, હું છું ભાવનગર' વિશિષ્ટ પોસ્ટર પ્રદર્શિત કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.