- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- બંને અકસ્માત અંગે મહેમદાવાદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ : મહેમદાવાદ-મહુધા રોડ પર વાંઠવાડી નજીક રોડ ક્રોસ કરતા બાળકને ફોરવીલ ગાડીએ ટક્કર મારતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં નેનપુર ચોકડી નજીક ટ્રેક્ટર સાથે મોટરસાયકલ અથડાતા બેને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામમાં રહેતા ઘનશ્યામ સનાભાઇ ચૌહાણનો ભત્રીજો કીર્તન રવિવારે બપોરે દુકાન આગળ રોડ ક્રોસ કરતો હતો. આ દરમિયાન મહુધા તરફથી આવેલ ગાડીએ ટક્કર મારતા રોડ ક્રોસ કરતા કીર્તન નરેન્દ્રભાઈ ચૌહાણને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી બાળકને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા કીર્તન (ઉંમર વર્ષ ૮)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ખંભાલીના રમેશભાઈ આશાભાઈ પરમાર તેમના મિત્ર ગેરસમ સેમ્યુલ રાઠોડ (રહે. સસ્તાપુર) રોહીસાથી નોકરી પરથી છૂટી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન નેનપુર ચોકડી નજીક ટ્રેક્ટર સાઈડ લાઈટ બતાવ્યા વગર વેબ બ્રિજ તરફ વળતાં મોટરસાયકલ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જેથી બાઈક ચાલક રમેશભાઈ પરમાર તેમજ ગેરસમ રાઠોડને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


