Chhota Udepur News: સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં યુવાનો ઘણીવાર કાયદાની મર્યાદા ઓળંગી જતા હોય છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે, જ્યાં નકસલવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ મૂકવી એક યુવકને ભારે પડી છે. છોટાઉદેપુર પોલીસે નકસલવાદી વિચારધારાનું સમર્થન કરતા વીડિયો વાયરલ કરનાર પરેશ રાઠવા નામના શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર પરેશ રાઠવા નામના યુવકે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક વીડિયો બનાવીને અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે કુખ્યાત નકસલવાદી હિડમાનું સમર્થન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. નકસલવાદ જેવી ગંભીર અને દેશવિરોધી પ્રવૃત્તિને લગતી આપત્તિજનક પોસ્ટ ધ્યાને આવતા કવાંટ પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી.
કવાંટ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પરેશ રાઠવાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા પોલીસ વડાએ યુવાનોને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'વધુ ફોલોવર્સ, લાઈક અને શેર મેળવવાની લ્હાયમાં કોઈપણ વ્યક્તિએ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી નહીં.'
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર પોલીસ હાલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને Whatsapp જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાજ નજર રાખી રહી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દેશ વિરોધી કૃત્યો કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં.


