Get The App

છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખાલીખમ

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખાલીખમ 1 - image

Chhota Udepur News: સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે ઝૂમી રહ્યું છે અને કાળઝાળ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ અને કુંડલ તાલુકામાં આવેલા ચેથાપુરના જંગલ વિસ્તારમાંથી અબોલ વન્યજીવોની અત્યંત દયનીય પરિસ્થિતિ સામે આવી છે. વન્યપ્રાણીઓ પોતાની તરસ છિપાવી શકે તે માટે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા મોટા કોંક્રિટના પાણીના કેટલાક હવાડા લાંબા સમયથી તદ્દન ખાલીખમ અને સૂકાભઠ્ઠ  છે. પાણી વિનાના આ ખાલીખમ હવાડાના દ્રશ્યો વન વિભાગની ઘોર બેદરકારી છતી કરે છે.

પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારતા વન્યજીવો

સૂકું ઘાસ અને વાંસના ઝુંડ ધરાવતા આ ડુંગરાળ તેમજ પથરાળ જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા, રોઝ (નીલગાય) અને અન્ય નાના-મોટા અસંખ્ય જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. કાળઝાળ ગરમીમાં આ હવાડામાં પાણી ન હોવાને કારણે મૂંગા પ્રાણીઓ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પહોંચી રહી છે.

માનવ-વન્યજીવ સંઘર્ષની પૂરેપૂરી ભીતિ

સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર, જો વન વિભાગ દ્વારા આ હવાડામાં યુદ્ધના ધોરણે ટેન્કર અથવા અન્ય સ્થાનિક સ્ત્રોત દ્વારા પાણી ભરવામાં નહીં આવે, તો તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલ છોડીને નજીકના ચેથાપુર અને અન્ય ગ્રામ્ય રહેણાંક વિસ્તારો તરફ ધસી આવશે. જેના કારણે આગામી દિવસોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ થવાની અને અબોલ પ્રાણીઓ અકસ્માત કે શિકારનો ભોગ બને તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.

સરકારી ગ્રાન્ટ છતાં આવી બેદરકારી કેમ?

આ ગંભીર બાબતે વન વિભાગનો સંપર્ક કરવામાં આવતા ડુંગરવાટ રેન્જના ફોરેસ્ટર રતનભાઈએ જણાવ્યું હતું કે, "હવાડાની કૂંડીઓ રિપેર કરવાની હોવાથી તે અત્યારે ખાલી છે." પરંતુ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે, ઉનાળાની શરૂઆત પહેલા જ જંગલ વિસ્તારની આવી કૂંડીઓ રિપેર કરીને પાણીથી ભરી દેવાની હોય છે. રિપેરિંગ અને પાણી ભરવા સહિતના કામો માટે સરકાર તરફથી વન વિભાગને દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે? શું વન વિભાગ કોઈ વન્યજીવના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે?

અધિકારીઓને 24 કલાકનું અલ્ટીમેટમ

સ્થાનિક ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓ વતી છોટાઉદેપુર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે. આગામી 24 કલાકની અંદર આ હવાડામાં પાણી ભરવાની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે જેથી જંગલના અબોલ જીવોના જીવ બચાવી શકાય.