ચૂંટણી પંચના 'યુ-ટર્ન' થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નસવાડી અને વઘાચ જિલ્લા પંચાયત બેઠકનો અગાઉનો હુકમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રદ કરીને નવો હુકમ કરતા હવે બંને બેઠકો પર અનામત કેટેગરીમાં ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોના સપના રોળાયા છે. નસવાડી બક્ષીપંચની બેઠક ફાળવવામાં આવી હતી તેને બદલીને સામાન્ય બેઠક કરી દેવામાં આવી છે. વઘાચ બેઠક અનુસૂચિત આદિજાતિ માટેની ફાળવી હતી તેને પણ સામાન્ય બેઠક કરવામાં આવી છે, જ્યારે એક મહિનામાં બે અલગ અલગ પરિપત્રો આવતા લોકો ગૂંચવાયા છે.
ક્યાં ગૂંચ પડી?
નસવાડી ટાઉનની જિલ્લા પંચાયત બેઠક માટે અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં નસવાડીની જિલ્લા પંચાયત બેઠક બક્ષીપંચની રાખવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસોમાં બીજો પરિપત્ર તારીખ 3 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો જેમાં નસવાડી ટાઉનની બેઠક સામાન્ય મહિલા કરી દેવામાં આવી છે. જ્યારે નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત બેઠક અગાઉ અનુસૂચિત આદિજાતિ બેઠક ફાળવવામાં આવી હતી પરંતુ નવા પરિપત્રમાં સામાન્ય બેઠક કરવામાં આવી છે.
અંદર ખાને પ્રચાર શરૂ કરી દીધો હતો
ગુજરાત ચૂંટણી પંચના બે-બે પરિપત્રોને લઈને લોકોમાં આશ્ચર્ય સાથે રોષની લાગણી ફેલાઈ છે. મહત્વનું છે કે પહેલા પરિપત્રને ધ્યાને લઈને ચૂંટણી લડવા માટે અનેક ઉમેદવારો ગામડે ગામડે પ્રચારમાં લાગી ગયા હતા, પરંતુ બાદમાં વધુ એક પરિપત્ર જાહેર કરી બેઠક બદલી દેવાતા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને મોટો ફટકો પડ્યો છે.









