Get The App

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત 1 - image

Chhota Udaipur Leopard Rescue : પાવીજેતપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તાલુકાના નાની રાસલી ગામેથી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક માદા દીપડી આબાદ ઝડપાઈ જતાં સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે.

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત 2 - image

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 14 મેની મોડી રાત્રે સસલાનો શિકાર કરવા જતાં દોઢ વર્ષનું એક દીપડાનું બચ્ચું અવાવરું કૂવામાં ખાબક્યું હતું. જેની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ વિસ્તારમાં અન્ય દીપડાઓ સક્રિય હોવાની ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી હતી.

ગ્રામજનોની રજૂઆત અને ભયને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે મોડી સાંજે સમગ્ર વિસ્તારનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. દીપડાની અવરજવરવાળા માર્ગને ટ્રેક કરીને નાની રાસલી ગામના ખેડૂત રમેશભાઈ દેશીંગભાઈ રાઠવાના ખેતરમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. રાત્રિના અંધકારમાં શિકારની શોધમાં નીકળેલી એક માદા દીપડી આ પાંજરામાં આવી જતાં તે પુરાઈ ગઈ હતી.

વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે આ વિસ્તારમાં ખાસ મોશન સેન્સર કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જેની મદદથી દીપડાના લોકેશનની સચોટ માહિતી મળી શકી હતી.

પાવીજેતપુર પંથકમાં માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં બે દીપડાઓ (એક બચ્ચું અને એક માદા દીપડી) પાંજરે પુરાતા વન વિભાગે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. પકડાયેલા બંને દીપડાઓને પ્રાથમિક તબક્કે જબુગામ ખાતે લઈ જઈ તબીબી તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ દેખરેખ તથા તપાસ અર્થે જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. દીપડાઓ ઝડપાતા વન વિભાગની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે. અને રાહતનો શ્વાસ લીધો છે.