Get The App

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ

ગેરકાયદે ઇ-ફાર્મસી અને મોટી કંપનીઓ દ્વારા ઓનલાઈન ફાર્મસી અને માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટના મુદ્દાઓના વિરોધમાં હડતાલ પર

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ 1 - image

111

 


(પ્રતિનિધિ તરફથી), અમદાવાદ,ગુરૃવાર

ગેરકાયદે ચાલતી ઈ-ફાર્મસી અને મોટી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઈના ફાર્મસીઓના વિરોધમાં અને તેમને કારણે બજારમાં ઘૂસી રહેલી ડુપ્લિકેટ અને સ્પુરિયસ ડ્રગના વિરોધમાં આગામી વીસમી મેએ ગુજરાતના ૩૫૦૦૦ કેમિસ્ટ્સ અને ભારતના ૧૨.૫ લાખ કેમિસ્ટ અને હોલસેલર તથા ડીલરો વીસમી મેએ એક દિવસની હડતાલ પાડશે. જોકે ઇમરજન્સી કેસમાં દરદીઓને દવા મળે તેવી વ્યવસ્થા પણ તેઓ રાખશે તેવી ખાતરી આપવામાં આવી છે.

 ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખનું કહેવું છે કોર્પોરેટ હોસ્પિટલ્સ અને નાના રિટેઈલર્સને આપવામાં આવતા અલગ અલગ માર્જિનથી પણ વધુ ડિસ્કાઉન્ડ ઓનલાઈન ફાર્મસીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ આપવામાં આવેલા માર્જિનથી પણ વધુ ઊંચી રકમના ડિસ્કાઉન્ટની ઓપલ કંપનીઓ કરી રહી છે. મોટા ડિસ્કાઉન્ટને નામે બજારમાં ડુપ્લિકેટ દવાઓ પણ પધરાવવામાં આવી રહી છે. તેથી ગુજરાતની બહાર બનતી સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓ ગુજરાતના બજારમાં પણ ઘૂસી રહી છે.

ઓનલાઈન ફાર્મસીઓ સાયોટ્રોપિક સબસ્ટન્સની કેટેગરીમાં આવતી અને ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાતી દવાઓ માટે હૈદરાબાદના ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન બનાવીને અમદાવાદના દરદીઓને વેચી રહી છે. આમ પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાતી દવાઓનો વેપાર ગેરકાયદેસ પ્રિસ્ક્રિપ્શનના માધ્યમથી વેપાર કરવામાં આવી રહ્યો છે. આ ઓનલાઈન ફાર્મસીઓ તેમના કાયદેસરના માર્જિન કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપીને તેમનો ધંધો તોડી રહ્યા છે. ઓનલાઈન ફાર્મસીને પરિણામે કેમિસ્ટનો સાતથી આઠ ટકા ધંધો તૂટી ગયો છે. તેથી ગેરકાયદે ઇ-ફાર્મસીઓ બંધ કરાવી દેવાની માગણી પણ કરવામાં આવી છે.

કોરોના કાળમાં દુકાનોને ઘરે જઈને ડિલીવરી આપવાની છૂટ આપતા નોટિફિકેશન હજી સુધી પાછા ન ખેંચાયા હોવાથી ઓનલાઈન ફાર્મસીઓ તેનો ગેરફાયદો ઊઠાવી રહ્યા છે. તેથી કોરોના કાળનું આ નોટિફિકેશન પાછું ખેંચી લેવાની માગણી કરવામાં આવી છે.  આ તમામ પગલાં લઈને નાના કેમિસ્ટ અને સપ્લાય ચેઈનની સુરક્ષા વધારવાની માગણી કરવામાં આવી છે.

આ સાથે જ અન્યના ધંધાને ખતમ કરી નાખવા માટે રાખવામાં આવતા અતિશય નીચા ભાવ-પ્રીડેટરી પ્રાઈસિંગને રોકવા માટે સરકાર તરફથી કડક નીતિ અમલમાં લાવવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીને દવા ઉદ્યોગને નુકસાન ન થાય તેની કાળજી રાખવી જરુરી છે.