વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

વડોદરા, તા.9 કરજણ તાલુકામાં શેરબજારમાં ટ્રેડિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરવા માટેનું કોલ સેન્ટર ઝડપાયા બાદ લાંબા સમયથી ફરાર વધુ એક ભેજાબાજને જિલ્લા પોલીસે મહેસાણા જિલ્લાના વડનગર ખાતેના ખેતરમાં ઊંઘતો ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સ્ટોક એક્સચેન્જનું કોઇપણ પ્રકારનું લાઇસન્સ વગર મોબાઇલફોનમાં માર્કેટ પ્લસ એપમાં શેરબજારમાં વધઘટ જોઇ શેરબજારમાં વધુ નાણાં કમાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતી મહેસાણાની ગેંગને કરજણ પોલીસે ડિસેમ્બર માસમાં ઝડપી પાડી હતી. આ ગુનામાં ગેરકાયદે કોલ સેન્ટર પણ ચાલતું હોવાનું ખૂલ્યું હતું.
દરમિયાન પોલીસે આ ગેરકાયદે કૃત્યમાં કુલ ૨૧ શખ્સોની ધરપકડ કરી હતી જે પૈકી રાહુલ ઉર્ફે સુનિલ પ્રભાતજી ઠાકોર (રહે.નદીઓડ, ઠાકોરવાસ, તા.વડનગર, જિલ્લો મહેસાણા) ફરાર હતો. ગુનો દાખલ થયા બાદ તે લાંબા સમયથી ફરાર હતો તેને આગોતરા જામીન દાખલ કરી હતી તે પણ નામંજૂર થઇ હતી. દરમિયાન જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી માહિતીના આધારે વડનગર ખાતે વોચ ગોઠવી હતી.
પોલીસને જાણવા મળ્યું હતું કે ગુનો દાખલ થયા બાદ તે પોતાના ઘેર જતો ન હતો અને ગામની આસપાસના ખેતરોમાં જ રહેતો હતો. ગઇ રાત્રે બે વાગે પોલીસ સ્ટાફ ઉંદર પગે રાહુલ ઠાકોર જ્યાં ઊઘી ગયો હતો તે સુલીપુર ગામની સીમના ખેતરમાં પહોંચી હતી અને તબેલામાં જ તેને ઊંઘતો પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફોન કરી ગ્રાહકોને જાળમાં ફસાવ્યા બાદ ઓપરેટર અમારા એક્ઝિક્યૂટિવ સાથે વાત કરો તેમ કહી રાહુલ ઠાકોર સાથે વાત કરાવતા હતાં.








