Gujarat

સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર

By GS TEAM
12 Nov 20252 mins read
સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર

દાતાઓ અને ઉદ્યોગકારોથી છલકાતા ગુજરાતની કડવી વાસ્તવિકતા :  સરકાર તો ઠીક, સ્પોન્સરો પણ ઉદાસીન હોવાથી અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના દિવ્યાંગો પાછળ : આજે મુંબઇની ટીમ સાથે ટક્કર

પોરબંદર, : કુદરતે આપેલી અધૂરપ છતાં હૈયાંમાં હામ ભરી ગુજરાતના દિવ્યાંગો ક્રિકેટ રમવા માટે તો સક્ષમ છે પરંતુ ગુજરાત ઉદ્યોગકારો અને સખાવતીઓથી ઉભરાતું હોવા છતાં આવા રમતવીરોને સાધન સહાય પૂરી પાડવામાં સ્પોન્સર્સનું વલણ ઉદાસીન રહ્યું છે. પરિણામે, રાજ્યના સીમાડા વટાવી અન્ય રાજ્ય સાથે ટક્કર જીલવા ગયેલા રમતવીરોને મર્યાદા નડી રહી છે.

તા. 13 અને 14 નવેમ્બરના રોજ મુંબઇનાં ઐતિહાસિક એમ.આઈ.જી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઇ રહી છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ ભાગ લેશે. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર ભીમા ખૂંટી કરશે. આ ગૌરવપ્રદ હકીકત વચ્ચે એક શરમજનક વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતની ટીમના દિવ્યાંગ ક્રિકેટરોને સાધન સગવડ પૂરી પાડવામાં આવતી નથી. વ્હીલચેર ક્રિકેટ રમવા માટે સ્પોર્ટસ વ્હીલચેર હોવી જરૂરી છે, પરંતુ ગુજરાતની ટીમના  ઘણા ખેલાડીઓ પાસે સ્પોર્ટસ વ્હીલચેર જ નથી એટલે હોસ્પિટલની વ્હીલચેર લઇને રમવા જવું પડે છે. આવી વ્હીલચેર પર પરફોર્મન્સ કરવું અશક્ય જેવું છે. આમ, પ્રોપર ક્રિકેટ કીટના અભાવે ગુજરાતની ટીમનું પરર્ફોમન્સ બીજા રાજ્યની કમ્પેરીઝનમાં નબળું રહી જાય છે.

કૌવત છતાં સાધનોના અભાવે અનેકવાર હાર વેઠવાનો વારો

ગુજરાતના ખેલાડીઓને પૂરતી સ્પોર્ટસ વ્હીલચેર અને ક્રિકેટ કીટનાં અભાવે સેમિ ફાઇનલ સુધી પહોંચીને પણ હાર વેઠવાનો વારો આવ્યો છે. માત્ર એકાદ-બે ખેલાડીઓ દ્વારા દર વખતે ટીમને જીતાડવી શક્ય નથી.

- ભીમા ખુંટી (કેપ્ટન, ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમ)