Gujarat

ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે

By GS TEAM
12 Apr 20261 min read
ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે

અમદાવાદ,રવિવાર

ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત મામલે મૃતકના માતા પિતા અને અન્ય પરિવારજનોના ચોક્કસ પ્રકારના નિવેદનને લઇને પોલીસ હજુસુધી શકમંદ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે લાઇ ડિટેક્શન ટેસ્ટ પણ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સોમવારે એફએસએલનો રિપોર્ટ આવવાની શક્યતા છે. જેથી કોઇ મહત્વની કડી મળી શકે છે. ચાંદખેડામાં ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના મોત અને તેમના માતા પિતાને પણ અસર થતા દાખલ થવાનો વારો આવવાના ચકચારી કિસ્સામાં ચાંદખેડા પોલીસ ઘટનાના આઠ દિવસ બાદ પણ મહત્વની કડી સુધી પહોંચી શકી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇટના અંશ મળી આવ્યા હતા. જેમાં હત્યા અને આત્મહત્યાની તરફ પોલીસની તપાસ ચાલી રહી છે. જે અનુસંધાનમાં વિમલ પ્રજાપતિ અને તેની પત્ની ભાવનાની સઘન પુછપરછ કરવામાં આવી હતી. પણ બંનેએ એક જ પેટર્નમાં પોલીસને જવાબ આપતા હવે લાઇ ડિટેક્શન ટેેસ્ટ કરાશે. સાથેસાથે સોમવારે બંને બાળકીઓના મોત મામલે એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવશે. જેથી પોલીસને તપાસમાં મદદ મળી શકે છે.

બીજી તરફ વિમલની શંકાસ્પદ ભૂમિકાને તપાસવા માટે પોલીસે ઘટનાના પાંચ દિવસ પહેલાથી તેના લોકેશન મેળવવા માટે પુછપરછ કરીને આશરે ૫૦થી વધુ સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા હતા.