Gujarat

સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો

By GS TEAM
9 Feb 20262 mins read
સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર  ઝડપાયો

એક તરફ સ્ટાર્ટ અપને પ્રોત્સાહનની જાહેરાતો બીજી તરફ લાંચની માંગણી પુનામાં ઉચ્ચ અભ્યાસ કરતા માત્ર ૨૦ વર્ષનાં યુવાને ફરિયાદી બની લાંચીયા અધિકારીને પકડાવ્યો

રાજકોટ, : એક તરફ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે. બીજી તરફ સ્ટાર્ટ અપ શરૃ કરનારાઓ પાસે લાંચ માંગવામાં આવે છે. સ્ટાર્ટ અપ શરૃ કરનાર યુવાન પાસે રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઇન્સપેક્ટર ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવે રૂ. ૫ હજારની લાંચ માંગી હતી. જેને આજે એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. 

રાજકોટનાં યુવાને ભાગીદારીમાં બિક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની ખોલી હતી. જેથી  રેસકોર્સ રીંગ રોડ સ્થિત સીજીએસટી કચેરીનાં ઇન્સપેક્ટર ધર્મેન્દ્ર યાદવ કંપનીના સરનામે વેરિફિકેશન માટે પહોચ્યાં હતા. જે અંગેનો ફાઇનલ રિપોર્ટ આપવા માટે તેણે રૂ. ૫ હજારની લાંચ માગી હતી. 

પરંતુ યુવાન લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીનાં પીઆઇ આર.આર.સોલંકીએ ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયાં મુજબ ધર્મેન્દ્ર યાદવ આજે પોતાના એક્ટીવા ઉપર લાંચની રકમ લેવા રેસકોર્સ મેદાનમાં પહોચ્યો હતો. 

જ્યાં ફરિયાદીને મળી રૂ. ૫ હજારની લાંચ સ્વીકારતા જ ટ્રેપમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીનાં સુત્રોએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર યાદવ મૂળ મધ્યપ્રદેશનો વતની છે. રાજકોટનાં બજરંગવાડી વિસ્તારમાં રહે છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી યુવાન માત્ર 20 વર્ષનો છે. પુનામાં ઇન્ટરનેશનલ બિઝનેશને લગતો કોર્ષ કરે છે. અન્ય ભાગીદારો સાથે મળી તેણે સ્ટાર્ટ અપ શરૃ કર્યું હતું. આ માટે સીજીએસટી કચેરીનું કામ પડતાં તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. તે કોઇ પણ ભોગે લાંચ આપી કામ કરાવવા માંગતો ન હતો. જેથી એસીબી પાસે પહોચ્યો હતો. જેના આધારે છટકુ ગોઠવાયું હતું. એસીબીનાં ઇતિહાસમાં માત્ર 20 વર્ષનો યુવાન કોઇ લાંચીયા અધિકારીને પકડાવે તેવો આ જુજ બનતો કિસ્સો છે.