હરણી રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું, ત્રણ ઝડપાયા, 6 યુવતીઓને છોડાવી

વડોદરા, તા. 05
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં સ્પા ની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડી છ યુવતીઓને છોડાવી હતી જ્યારે મેનેજર સહિત ત્રણની અટકાયત કરી હતી. સ્પાના બે સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
હરણી રોડ ગદા સર્કલ પાસે એસબીઆઇ બેન્ક ની ઉપર ચોથા માળે આવેલા ઓરા ઇન્ટરનેશનલ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની અને ગ્રાહક દીઠ રૂ 3000 લેવામાં આવતા હોવાની વિગતોને પગલે હરણી પોલીસે ગઇ સાંજે દરોડો પાડ્યો હતો.
પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરી રૂ.3000 માં યુવતી સાથે સોદો નક્કી કર્યો હતો. ડમી ગ્રાહક નો મિસ્ડ કોલ આવતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો અને કાઉન્ટર પર બેઠેલા મેનેજર દિપક કેશુભાઈ પટેલ (લિવ ઈન એપાર્ટમેન્ટ, ગોત્રી સેવાસી કેનાલ રોડ), ગ્રાહકો માટે સર્વિસ અને હાઉસકીપિંગનું કામ કરતા નિતીન નટુભાઈ પઢીયાર તેમજ અજય જયંતીભાઈ રાજપુત (બંને રહે.ડેરી વાળુ ફળીયુ,ભીમપુરા,સેવાસી) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસે રોકડા રૂ 5000 તેમજ તમામ ના મોબાઇલ કબજે કર્યા હતા.
જ્યારે, મહિલા પોલીસ સાથેની ટીમે એક રૂમ માંથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. પોલીસે અન્ય રૂમમાં ચેક કરતા બીજી પાંચ યુવતીઓ પણ મળી આવી હતી. આ તમામ યુવતીઓને પૂછપરછ કરીને જવા દેવામાં આવી હતી.
પોલીસની પૂછપરછમાં ગ્રાહક દીઠ રૂ 3000 લઈને યુવતીઓને પંદરસો રૂપિયા આપવામાં આવતા હોવાની વિગતો ખુલી હતી. પોલીસે ગુનો દાખલ કરી સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.




