અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, કારમાં કરી તોડફોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે ભરબપોરે એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કુખ્યાત શખ્સના પૌત્રનું નામ ખૂલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ તોડફોડની ઘટનામાં આદિત્ય નામના નબીરા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી કાર પર હથિયાર વડે હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકી પણ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ બાબતે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આદિત્ય અગાઉ હિટ એન્ડ રન કેસમાં આરોપી હતો
મહત્ત્વની વાત એ છે કે, આદિત્ય અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં થયેલા એક હિટ એન્ડ રન કેસમાં પણ તેનું નામ ઉછળ્યું હતું. એ અકસ્માતમાં એક મોપેડ સવારનું મોત નીપજ્યું હતું. હવે ફરી એકવાર તોડફોડની ઘટનામાં તેનું નામ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીની ઓળખ અને આ તોડફોડ પાછળના કારણો જાણવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું.
જોકે, અમદાવાદ પોલીસ દ્વારા આવા તત્ત્વો વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા ગુનાહિત ઈતિહાસ ધરાવનારા તત્ત્વો વધુ આતંક ફેલાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈપણ પોલીસના ડર વિના બેખોફ રીતે ગુંડાની જેમ આતંક મચાવતો આદિત્ય નજરે પડી રહ્યો છે. હવે પોલીસ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.









