વડોદરા,સુરતથી ભાવનગર જતા મિત્રોની કારને વડોદરા નજીક અકસ્માત નડતા ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય બે મિત્રો સારવાર હેઠળ છે.
સુરત વરાછા વિસ્તારમાં રહેતા હમીરભાઇ ભૂરાભાઇ ભુવા હીરા ઘસવાનું કામ કરે છે. ગઇકાલે સાંજે પોણા સાત વાગ્યે તેઓ મિત્રો (૧) દિલીપ ભીખાભાઇ જેઠવા (રહે.કારગીલ ચોક, નરવંત સાગર,સુરત, મૂળ રહે. અમરેલી) (૨) ગોપાલભાઇ ગોહાભાઇ કામળીયા, ઉં.વ.૨૩ (રહે. સંતોષ નગર, વરાછા,સુરત) (૩) યોગેશ કિશોરભાઇ ચાવડા,ઉં.વ.૨૪ (રહે. સુરત) તથા (૪) આશિષ પરમાર, ઉં.વ.૨૮ (રહે. સુરત) સાથે સુરતથી કાર લઇને ભાવનગર જિલ્લાના ભગુડા ગામે મોગલ ધામ પાટોત્સવ મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ગોપાલ કામડિયા કાર ચલાવતો હતો. મોડીરાત્રે સાડા બાર વાગ્યે વડોદરા જાંબુવા બ્રિજ પાસે ઝોકું આવી જતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર આવતી આયશર ટ્રકના આગળના કાચ સાથે ધડાકાભેર અથડાઇને ફંગોળાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગોપાલભાઇ, યોગેશ ચાવડા તથા આશિષ પરમારના મોત થયા છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


