Get The App

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ 1 - image

બગોદરા-તારાપુર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ

અજાણ્યા શખ્સોએ દંપતીની કાર સાથે સ્કોપયો અથડાવી ઝઘડો કર્યો ઃ  ફરિયાદીને માર મારી રૃ.૨.૫૩ લાખની મત્તા લૂંટી

બગોદરા -  અમદાવાદ ગ્રામ્યના બગોદરા-તારાપુર હાઇવે પર રવિવારની  રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી  સુરેન્દ્રનગર જઈ રહેલા એક દંપતીની કાર સાથે કાળા રંગની સ્કોપયો  અથડાવી, અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી કાર અને મોબાઈલ સહિત કુલ  રૃ. ૨.૫૩ લાખની મત્તાની લૂંટ ચલાવી છે. આ મામલે બગોદરા પોલીસ  મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જય પરેશકુમાર પરમાર રવિવારે  રાત્રે પોતાની પત્ની અંજલી સાથે મારૃતિ ઇગ્નીસ કારમાં  સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા. રાત્રે આશરે ૮ઃ૦૦ વાગ્યે બગોદરાથી  બે કિમી પહેલાં, એક કાળા રંગની સ્કોપયોના ચાલકે ઇરાદાપૂર્વક  તેમની કાર સાથે ગાડી અથડાવી હતી. અકસ્માત બાદ સ્કોપયોમાંથી  ઉતરેલા શખ્સે તકરાર શરૃ કરી હતી. જયભાઈ ગાડી નીચે ઉતરતા જ આરોપીએ  તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદી પોતાનો મોબાઈલ લેવા ગયા ત્યારે હુમલાખોરે તેમના કપાળના  ભાગે બચકું ભરી લોહીલુહાણ કરી દીધા હતા. કાર અને કિંમતી સામાનની લૂંટ કરી ફરાર ઝપાઝપી દરમિયાન આરોપી  ફરિયાદીની રૃ. ૨ લાખની કિંમતની કાર, બે મોંઘા મોબાઈલ ફોન અને પર્સમાં રહેલી રૃ. ૮,૦૦૦ની રોકડ સહિત કુલ રૃ. ૨,૫૩,૦૦૦ની મત્તા  લૂંટીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ભોગ બનનાર દંપતીએ તાત્કાલિક બગોદરા પોલીસ સ્ટેશન પહોંચી જાણ કરી હતી, જ્યાંથી તેમને સારવાર  અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બગોદરા પોલીસે આ મામલે બી.એન.એસ.ની  વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી  છે.