પાટીલનો મોટો દાવઃ બોર્ડ નિગમોના ભંડેરી, ઘોડાસરા સહિતના તમામ ચેરમેનોના રાજીનામા

- ચૂંટણીના અનુસંધાને 50 જેટલા બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંક કરવા નિર્દેશ અપાયા
અમદાવાદ, તા. 20 જાન્યુઆરી, 2022, ગુરૂવાર
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. બીજી બાજુ સરકારે બોર્ડ નિગમોના રાજકીય ચેરમેનો અને વાઈસ ચેરમેનોના રાજીનામા માગી લીધા છે જેને લઈ ભારે રાજકીય ખળભળાટ વ્યાપ્યો છે.
આશરે સવા વર્ષ પહેલા 18 બોર્ડ નિગમોના ચેરમેનોની મુદ્દત પૂરી થઈ ગઈ હતી પરંતુ તે સમયે નવી નિમણુંક નહોતી કરાઈ અને તે જગ્યા પર હાલ અધિકારીઓ જ ચાર્જમાં છે. આશરે 10 જેટલા બોર્ડ નિગમોમાં ભાજપના આગેવાનો ચેરમેનપદે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે તે સૌને કમલમ્ ખાતે બોલાવીને તાત્કાલિક રાજીનામા આપી દેવા માટે સૂચના આપી હતી. આ સાથે જ સરકાર 50 જેટલા બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંક કરે તેવો નિર્દેશ છે.
આજે જેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અથવા તો જેઓ ગાંધીનગરન હાજર ન હોય તે સૌ ગણતરીના કલાકમાં મુખ્યમંત્રીને રાજીનામુ મોકલી દેશે તેમના નામો પર એક નજર કરીએ.
મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેને હંસરાજ ગજેરા, મહિલા આયોગના ચેરમેન નિલાબેન આત્રોલીયા, લઘુમતી બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત વગેરે નામોનો સમાવેશ થાય છે.
સરકાર ટૂંક સમયમાં જ ફરીથી નિમણુંક કરશે તથા ધારાસભા માટે પ્રબળ દાવેદાર હોવા છતાં જેમને ટિકિટ ન આપી શકાય તેમને બોર્ડ નિગમ આપીને ખુશ કરવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે.




