પોલીસની 'દિવાળી: ગૃહમંત્રીના આદેશને પોલીસ ઘોળીને પી ગઈ, રૂ.10 હજારથી 1 લાખ સુધીનું ઉઘરાણું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Illegal Collection: દિવાળીના તહેવારોમાં બજારોમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. છેલ્લી ઘડીની ખરીદીને લીધે બજારોમાં ભીડ ઉમટી છે ત્યારે વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. આ તરફ, પોલીસે દિવાળીના નામે ઉઘરાણું શરુ કર્યુ છે. અત્યાર સુધી બે-પાંચ હજાર ઉઘરાવતી પોલીસે આ દિવાળી પર 25-50 હજારથી માંડીને એક લાખ સુધીનું ઉઘરાણું કરી રહી છે તેવી વ્યાપક ફરિયાદો ઊભી થઈ છે. એટલું જ નહીં, આ મામલે શહેર પોલીસ કમિશ્નર સુધી રજૂઆત કરવામાં આવી છે.
મહત્ત્વની વાત એ છે કે, ખુદ ગૃહરાજ્ય મંત્રી એ નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં વેપારીઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસને સૂચના આપી હતી. જો કે, સ્થિતિ એવી સર્જાઈ છે કે, અમદાવાદ પોલીસ ગૃહમંત્રીના આદેશને જાણે ઘોળીને પી ગઈ છે.
મંદીના માહોલમાં ખાખી વર્દીએ ઉઘરાણાંમાં પણ કર્યો વધારો
કારમી મોંઘવારી, બેરોજગારી ઉપરાંત મંદીનો માહોલને લીધે વેપારીઓ દિવાળીના તહેવારોમાં નિરાશા અનુભવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ખાખી વર્દીએ ખંડણીખોરની ભૂમિકા ભજવવાની શરુ કરી દીધી છે. અત્યાર સુધી દિવાળીમાં પોલીસ વેપારીઓ પાસેથી બે-પાંચ હજાર રૂપિયા ઉઘરાવતી હતી પણ આ વખતે પોલીસે જાણે દિવાળી ઉઘરાણામાં ય વધારો કરી દીધો છે.
દિવાળી બોનસ રુપે રૂ.25-50 હજારનું ઉઘરાણું
વેપારીઓ ખુદ ફરિયાદ કરી રહ્યા છે કે, અમદાવાદ શહેરમાં શાહપુર, એલિસબ્રીજ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પોલીસ વેપારીઓ પાસેથી દિવાળી બોનસ રુપે રૂ. 25-50 હજાર ઉઘરાવી રહી છે. આ ઉપરાંત દાણીલીમડા, નારોલ, નરોડા, ઓઢવ, વટવા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં તો ઉદ્યોગ સંચાલકો પાસે ખુલ્લેઆમ એક લાખની દિવાળી માંગવામાં આવી રહી છે. આ કારણોસર વેપારીઓ ખાખી વર્દીથી તોબા પોકારી ઉઠ્યાં છે.
વેપારીઓનું કહેવું છે કે, બારે માસ ધંધો કરવાનો એટલે પોલીસ સાથે ક્યાં વેર રાખવું? પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બંધાય નહીં. આ કારણોસર વેપારીઓ પોલીસના ત્રાસથી મજબૂર થઈ ઉઘરાણાં પેટે મો માંગી રકમ ચૂકવવા મજબૂર બન્યા છે.
આ મામલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શહેર પોલીસ કમિશ્નરને લેખિત પત્ર મોકલી રજૂઆત કરી છે. સાથે એવી માંગ પણ કરી છે કે, વેપારીઓને હેરાન કરતાં ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત વેપારીઓને પણ અપીલ કરી છે કે, જો પોલીસ અધિકારી-કર્મચારી ગેરકાયેદસર રકમની માંગણી કરે તો લાંચ રુશ્વત વિરોધી વિભાગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.




