પોરબંદરમાં ગરીબો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરીને વેપારી ગાયબ

ડેઈલી કલેક્શન યોજનાના નામે સોનાના દાગીના બનાવી દેવાની લાલચ આપી હતી : નાના લોકોને ફસાવી ત્રણ વર્ષ સુધી નાણાં એકત્ર કરી ફરાર થઈ જતાં રોકાણકારો શોધવા નીકળ્યા, પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ
પોરબંદર, : પોરબંદરની સોની બજારમાં શોરૂમ ધરાવતા રાધે રાધે નામથી પ્રચલિત થયેલા એક સુવર્ણકારે ડેઈલી બચત સ્કીમ મૂકી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સોનાના દાગીના કરી આપવાની લાલચ આપી ત્રણ વર્ષ દરમિયાન લાખો રૂપિયાની રકમ એકત્ર કરી હતી, જે પછી તે સંપર્કવિહોણો થઈ જતાં અનેક મધ્યમવર્ગીય અને રોજે રોજનું ખાનારા ગરીબ પરિવારોના નાણા ફસાઈ ગયા છે.
એ સુવર્ણકારે ડેઈલી કલેકશન યોજના બહાર પાડીને સોનાના દાગીના બનાવી દેવાની સ્કીમ મુકી હતી. જેમાં મચ્છી મારકેટ વિસ્તારની મહિલાઓ, રોજે રોજનું કમાઈ ખાનારા રેકડી કેબિનધારકો, ખાણી પીણીના ધંધાર્થીઓ વગેરે જોડાયા હતા. આ યોજનામાં સોની વેપારી રોજે રોજ નિયત રકમ એકત્ર કરવા નીકળીને કલેકશન કરતો હતો. તેણે આ રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી લાખો રૂપિયા એકત્ર કરી લીધા હતા. એમ કહેવાય છે કે આ વેપારી છેલ્લા દોઢ વર્ષથી કોઈ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. તેણે લોન પર મકાન લીધું હતું એના હપ્તા પણ ચડી ગયા હતા. એક સમયે એને કોઈ ઉધાર વસ્તુઓ કે માલ આપવા તૈયાર ન હતા.
આ વેપારી રોજ રોજ કલેકશન કરવા જતો હતો પણ આ માસમાં ગત તા.1થી પૈસા લેવા જ ન આવતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. કેટલાક લોકો તેના ખાપટ વિસ્તારમાં તપાસ પણ કરવા ગયા હતા પણ ઘરે તાળા લટકતા હતા. આ બાબતે કેટલાક લોકોએ પોલીસને જાણ કરી છે. હવે આગામી દિવસોમાં એની સામે વિધિવત ફરિયાદ નોંધાય એવી શક્યતા તોળાઈ રહી છે .
અમુક મહિલાઓ તો દીકરીના લગ્ન માટે યોજનામાં જોડાઈ હતી
આ વેપારીની ચૂંગાલમાં એવી પણ મહિલાઓ ફસાઈ છે કે એમણે પાઈ પાઈ એકઠી કરી દીકરીના લગ્નમાં સોનાની ચીજ વસ્તુ આપવા માટે ડેઈલી સ્કીમમાં રોકાણ કરતી હતી પણ સુવર્ણકારે ફુલેકુું ફેરવ્યું હોવાથી એ બધી મહિલાઓ ચિંતામાં મૂકાઈ ગઈ છે.








