Gujarat

જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા

હિંમતનગર, તા. 25

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડુતોએ ઉનાળુ વાવેતર શરૂ કર્યું છે પરંતુ પ્રારંભે જ વીજ ધાંધીયા શરૂ થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. દિવસે અપાતા વીજ પુરવઠામાં ભારે અનિયમિતા હોવાના આરોપ લાગ્યા છે. હજું ઉનાળો શરૂ થયો નથી અને આ રીતે વીજ ધાંધીયા શરૂ થતાં આકરા ઉનાળામાં ખેતી વિષયક વીજ પુરવઠો મળશે કે કેમ ? તેવા સવાલ સર્જાયો છે.

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને સમયપત્રક પ્રમાણે ૮ કલાક વીજપુરવઠો આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાંક ગામડાઓમાં દિવસે અપાતાં વીજ પુરવઠામાં સળંગ ૮ કલાક વીજ પુરવઠો આપવાના બદલે માત્ર ૩ થી પ કલાક વીજ પુરવઠો મળતાં ખેડુતોને બોર, કુવામાં પાણી છતાં વાવેતર ઘટાડવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વારંવાર ખેતી વિષયક વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને આ અંગે વીજ તંત્રનું ધ્યાન દોરવા છતાં તેનો કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.

ખેડુતોના જણાવ્યા અનુસાર દિવસે અપાતાં વીજ પુરવઠામાં ધાંધીયા શરૂ થયા છે જેથી ખેડુતો પરેશાન બની ગયા છે . વારંવાર વીજપુરવઠો  ખોરવાતાં ખેડુતો અને ખેતમજૂરો પણ છેલ્લી હદે ત્રાસી ઉઠયા છે.  હજુ તો ફેબુ્રઆરી મહિનો પુરો થયો નથી ને હવે વીજ પુરવઠામાં અનિયમિતતા શરુ થઈ છે ત્યારે આકરા ઉનાળામાં આ રીતના વીજ ધાંધીયા ચાલુ રહે તો ખેડુતોનું ઉનાળું વાવેતર સુકાઈ જવાની સાથે ખેડુતો બરબાદ થઈ જાય તેવો ભય વ્યક્ત કર્યો છે.