Get The App

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ 1 - image


Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં સોમવારે (16મી ફેબ્રુઆરી) તંત્ર દ્વારા દબાણ હટાવવાની એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 25 જેટલા પરિવારોના કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રંદ જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં મંગળવારે (17મી ફેબ્રુઆરી) મોટી સંખ્યામાં પીડિત પરિવારો ન્યાયની આશાએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ

પોલીસનો ભારે બંદોબસ્ત 

પાલનપુર તાલુકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રની ટીમ પેડાગડા ગામમાં ત્રાટકી હતી. સરકારી જમીન પરના કથિત દબાણો દૂર કરવાના નામે મકાનો તોડી પાડવાની શરૂઆત થતા જ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીડિતોનો આક્ષેપ છે કે તંત્રએ માત્ર મકાનો જ નહીં, પરંતુ ઊભા પાક ધરાવતા ખેતરો પણ ખેડી નાખ્યા છે, જેના કારણે તેમની આજીવિકા પર પણ મોટો ફટકો પડ્યો છે.

મહિલાઓની કરુણ વ્યથા

પોતાના આશિયાના ગુમાવ્યા બાદ પીડિત મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે ભાવુક થઈ ગઈ હતી. રજૂઆત દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે, 'અમે વર્ષોથી આ જગ્યા પર રહેતા હતા, તેમ છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર તેમને રસ્તા પર લાવી દેવાયા છે. અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે નાના બાળકો અને વૃદ્ધો અત્યારે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે.' તંત્ર દ્વારા માનવતા દાખવ્યા વગર જ ઘરો તોડી પાડવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.