Get The App

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધકામ જમીનદોસ્ત કર્યું

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધકામ જમીનદોસ્ત કર્યું 1 - image

Ahmedabad Demolition: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે રીતે પશુઓની કતલની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્ત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસે લાલ આંખ કરી છે. અગાઉ પશુ ક્રૂરતાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા શખસો દ્વારા રામરહીમના ટેકરા વિસ્તારમાં ઊભા કરાયેલા ગેરકાયદે કતલખાના પર આજે (22મી મે) તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

ઢોરબજારના કોટને અડીને ચાલતું હતું કારસ્તાન

મળતી માહિતી અનુસાર, દાણીલીમડાના રામરહીમના ટેકરા પાસે આવેલી નગીના મસ્જિદની સામે, ઢોરબજારના કોટને અડીને આરોપી સમીર ઉર્ફે પમો સાબીરભાઇ ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા એક ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું. આ બંને શખસો રીઢા ગુનેગાર છે અને તેમની સામે ભૂતકાળમાં પણ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ 4 થી 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે કેટલાક કસાઈઓ દ્વારા આ ગેરકાયદે જગ્યાનો ઉપયોગ રાત્રિના સમયે મૂંગા પશુઓની કતલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જેના આધારે તુરંત ડિમોલિશનનો પ્લાન ઘડાયો હતો.

આ પણ વાંચો: વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ... જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે ઝડપાયો

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવા કલાક ચાલ્યું ઓપરેશન

ગેરકાયદે કતલખાના પર ત્રાટકેલી ટીમ પર કોઈ હુમલો કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે એએમસીની ટીમ સાથે મોટો પોલીસ કાફલો જોડાયો હતો. આ ઓપરેશનમાં 1 પીઆઈ (PI), 3 પીએસઆઈ (PSI) અને બીજા 20 થી 25 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન દ્વારા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું શરૂ કરાયું હતું. આ સમગ્ર ઓપરેશન લગભગ એકથી સવા કલાક સુધી ચાલ્યું હતું અને કતલખાનાના માળખાને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવાયું હતું. જોકે, આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ભવિષ્યમાં પશુ કતલ અટકાવવા લેવાયા કડક પગલાં: પીઆઈ

આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, "અમને સતત એવી ફરિયાદો અને સમાચાર મળી રહ્યા હતા કે અમુક કસાઈઓ આ ચોક્કસ જગ્યાનો ઉપયોગ ગેરકાયદે પશુઓની કતલ કરવા માટે કરી રહ્યા છે. આ જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદે દબાણ કરીને બનાવવામાં આવી હતી. આ શખસો સામે ભૂતકાળમાં પણ 4-5 જેટલા ગુના નોંધાયેલા છે. ભવિષ્યમાં આ જગ્યા પર ફરી ક્યારેય મૂંગા જીવોની કતલ ન થાય અને ગુનાઈત પ્રવૃત્તિ અટકે તેવા કડક આશયથી આ દબાણ તોડી પાડવામાં આવ્યું છે.' આ ડિમોલિશન બાદ સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.