Gujarat

સવા વર્ષનાં પૌત્રને બચકાં ભરી નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા

By GS Team
4 Sep 20242 mins read
This article was originally published on 4 Sep 2024
સવા વર્ષનાં પૌત્રને બચકાં ભરી નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા

અમરેલીનાં રાજસ્થળી ગામે હૈયું હચમચાવતી ઘટનારાત્રે દાદી સાથે રૂમમાં સુતેલું માસુમ બાળક ખુબ રડવા લાગતા ઉશ્કેરાઇ જઇને ક્રૂરતાપૂર્વક લાફા-ધબ્બા મારીને બચકાં ભરી કાયમ માટે 'શાંત' કરી દેતાં અરેરાટી

અમરેલી, : અમરેલીનાં રાજસ્થળી ગામે હૈયું હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સવા વર્ષના પૌત્રને બચકાં ભરીને નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા કરી નાંખવામાં આવી હતી. રાત્રે માસુમ બાળક ખૂબ રડતું હોવાથી શાંત કરવા માટે નિષ્ઠુર દાદીએ નિર્દયતાથી લાફા-ધબ્બા મારીને બચકાં ભરી મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

નિર્દયતાની ચરમસીમા દર્શાવતી ઘટનાની વિગત એવી છે કે, અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે હુસેનભાઇ સૈયદ તેમના પત્ની કુલસનબેન પુત્ર રફિકભાઇ ઉપરાંત પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી સહિતનો પરિવાર રહે છે. ગત રાત્રે નિત્યક્રમ પ્રમાણે પુત્ર-પુત્રવધૂ એક રૂમમાં સુતા હતા અને બન્ને સંતાનો દાદી કુલસનબેન સાથે બીજા રૂમમાં સુતા હતા. જ્યારે ઘરનાં મોભી હુસેનભાઇ કપાસની ખરીદી કરવા માટે બહારગામ ગયા હતા. આજે વહેલી સવારે તેઓ ઘેર આવ્યા ત્યારે દાદી કુલસનબેન સાથે રૂમમાં સુતેલો એક વર્ષને બે મહિનાનો પૌત્ર ઘોડીયા નીચે પડયો હતો અને આખા શરીરે ઇજાના નિશાન હતા.

પરિણામે તુરંત જ પરિવારજનોને ઉઠાડયા હતા અને માસુમ પૌત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પણ ત્યાં મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડયા હતા. પરંતુ બાળકને ઇજાના નિશાન હોવાથી પોલીસને જાણ કરતા તાબડતોબ સરકારી હોસ્પિટલે દોડી આવીને પરિવારજનોની પૂછતાછ કરતા બધાએ કંઇ ખબર  નહીં હોવાનું કહ્યું હતું. જેથી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડીકલ કોલેજ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાંથી આજે બપોરે રિપોર્ટ આવતા માસુમ બાળકને અમાનવિય મારકૂટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકાં ભરવામાં આવ્યાનું ખુલતા પોલીસ પણ હચમચી ગઇ હતી. આ મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઇએ જણાવ્યું કે, ગંભીર ઘટનામાં પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી બધાની ઉલટ તપાસ શરૂ કરતા અંતે દાદી કુલસનબેન હુસેનભાઇ સૈયદે કબુલી લીધું હતું કે, પોતે જ સવા વર્ષના માસુમ પૌત્ર અલીરજાકને મારી નાખ્યો છે. રાત્રે ખૂબ ઉંઘ આવતી હતી ત્યારે જ પૌત્ર ઉઠીને ખૂબ રડવા લાગતા અને શાંત નહીં થતાં ઉશ્કેરાઇ જઇને ધબ્બા-લાફા મારવા સાથે બચકાં પણ ભરી લીધા હતા જેથી પૌત્ર બેશુધ્ધ જેવો થઇ ગયા બાદ મૃત્યુ પામ્યો હતો. પરિણામે આ મામલે દાદી કુલશનબેન વિરૂધ્ધ ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.