Gujarat

ગાંધીનગરમાં ક્રુર ઘટના ઃ બિલાડી અને કબૂતર મારીને માંસ રાંધતો શખ્સ ઝડપાયો

By GS TEAM
30 Mar 20262 mins read
ગાંધીનગરમાં ક્રુર ઘટના ઃ બિલાડી અને કબૂતર મારીને માંસ રાંધતો શખ્સ ઝડપાયો

એનજીઓના સભ્યોએ બાતમીના આધારે સે-૧૬માં રેડ પાડી

સ્થળ ઉપરથી બિલાડીનું ચામડું અને પક્ષીઓના પીંછા મળી આવ્યા ઃ બે શખ્સો ઘટનાસ્થળેથી ફરાર

ગાંધીનગર :  ગાંધીનગરના સેકટર-૧૬ વિસ્તારમાં મુંગા પશુ-પક્ષીઓ પ્રત્યે અત્યંત ક્રતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક શખ્સો દ્વારા બિલાડી અને કબૂતરને મારીને તેનું માંસ રાંધવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે સેકટર-૨૧ પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યેના ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ નામની પ્રાણી સેવા સંસ્થા ચલાવતા વિજયકુમાર ચંદુલાલ શર્માને છેલ્લા એક મહિનાથી બાતમી મળી રહી હતી કે સેકટર-૧૬ ના છાપરામાં રહેતા રાજુભાઈ ઈન્દ્રરભાઈ પરમાર મુંગા પશુ-પક્ષીઓને મારીને તેનું માંસ રાંધે છે. આ દરમિયાન ગઈકાલે સાંજના સમયે વિજયકુમાર અને તેમની ટીમ રજવાડી ભોજનાલય પાસે તપાસમાં હતા, ત્યારે તેઓએ સામેના છાપરામાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ત્યાં પહોંચતા જ ત્રણ શખ્સોમાંથી બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. તપાસ કરતા ચૂલા પર મુકેલી તપેલીમાં રાંધેલું માંસ અને તેની બાજુમાં કબૂતરના પીંછા તેમજ બિલાડીનું ચામડું મળી આવ્યું હતું. જ્યાં સ્થળ ઉપરથી રાજુભાઈ ઈન્દ્રરભાઈ પરમાર હાજર મળી આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા કબુતરને મારી તેને રાંધ્યા હોવાની કબૂલાત કરી હતી. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા સેકટર-૨૧ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મુખ્ય આરોપી રાજુભાઈ ઈન્દ્રરભાઈ પરમાર અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે રાંધેલા માંસના નમૂના અને અન્ય પુરાવાઓ કબજે કરીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે.