બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા

વડોદરાઃ બરોડા ડેરીમાં ફરી એક વાર ભાજપે સત્તા કબજે કરી લીધી છે.અગાઉ ૯ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની ડેસર સહિતની ચાર બેઠક પર પણ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો વિજેતા બન્યા હતા.
બરોડા ડેરીમાં કુલ ૧૩ ઝોનમાં ચૂંટણી યોજાનાર હતી.પરંતુ આ પૈકીના ૯ ઝોનમાં ડેરીના પૂર્વ પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી સહિતના ૯ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા હતા.જેથી બાકીની ચાર બેઠક પર આજે મતદાન થયું હતું.જેમાં કુલ ૩૩૩ મતદારોમાંથી ૩૩૦ મતદારોએ મતદાન કરતાં ૯૯ ટકા મતદાન થયું હતું.
સાંજે મતગણતરી થતાં એક કલાકમાં જ તમામ પરિણામો જાહેર થયા હતા અને ચારેય બેઠક ભાજપે હાંસલ કરી લીધી હતી.જેમાં સૌથી રસાકસીભરી બનેલી ડેસર બેઠક પર ચાર ટર્મથી ચૂંટાતા ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીનો ૬ મતે પરાજય થયો હતો અને તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ટેકેદાર વિજેતા બન્યા હતા.વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ડેરીના પ્રાંગણમાં જ ધૂમ દારૃખાનું ફોડી સૂત્રોચ્ચાર કર્યો હતો.
અન્ય ત્રણ બેઠક પૈકી પાવીજેતપુરની બેઠક પર કોંગ્રેસના આગેવાન તેમજ ડભોઇ બેઠક પર પણ કોંગ્રેસના સમર્થકનો પરાજય થયો હતો.સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડેરીના પૂર્વ પ્રમુખ અને ડિરેક્ટરો હાજર રહ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ નજરે પડયા નહતા.
કેને કેટલા મત મળ્યા,રણજિત રાઠવાએ સૌથી વધુ મત મેળવ્યા
ઉમેદવાર ઝોન મતદાન મળેલા મત રદ મત
(૧) પાર્થિવ શૈલેષભાઇ પટેલ ૩-વડોદરા ૮૧ ૪૮ -
હિતેશ મફતભાઇ પટેલ - ૩૩
(૨) સૂરપાલસિંહ પરમાર ૬-ડેસર ૮૧ ૪૩ ૧
કુલદીપસિંહ રાઉલજી - - ૩૭
(૩) દિક્ષિત ભીખાભાઇ પટેલ ૮-ડભોઇ ૭૭ ૫૨ ૧
પ્રહલાદ મંગળદાસ પટેલ - - ૨૪
(૪)રણજિતસિંહ રાઠવા ૧૨-પાવીજેતપુર ૯૧ ૮૦ -
ગેમલભાઇ વિઠ્ઠલભાઇ રાઠવા - - ૧૧
દૂધ ઉત્પાદકોના હિત માટે ધારાસભ્ય કહેશે તેમ કરીશ
બરોડા ડેરીની રસાકસીભરી બનેલી ડેસર બેઠક પર ચાર ટર્મથી ડિરેક્ટર બનતા કુલદીપસિંહને નવા ઉમેદવાર સૂરપાલસિંહે હરાવ્યા હતા.જેમાં ધારાસભ્યના ભાઇએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.વિજેતા બન્યા બાદ સૂરપાલસિંહે કહ્યું હતું કે,હું ડેરીના દૂધ ઉત્પાદકોના હિતમાં ધારાસભ્ય કહેશે તેમ કામ કરીશ.
મતદારોને રીઝવવા છેલ્લી ઘડી સુધી પ્રયાસ
બરોડા ડેરીની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો થયા હોવાની વિગતો ચર્ચામાં રહી હતી.જેમાં કેટલાક મતદારો પાછળ ૨થી ૩ લાખનો ખર્ચ પણ કરવામાં આવ્યો હોવાની વાત મુખ્ય હતી.આ ઉપરાંત બસ તેમજ ખાનગી વાહનોમાં મતદારોને લાવવા-લઇ જવા અને ચા-નાસ્તો તેમજ જમવાની પણ સવલતો કરવામાં આવી હતી.
હવે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર નજર,દાવેદારો ગોડફાધરોના શરણે
બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઇ ગયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર સૌની નજર રહેશે.એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે ડેરીના પ્રમુખની ચૂંટણી મહત્વની બની છે.બંને હોદ્દા માટે કેટલાક દાવેદારો અત્યારથી જ દોડધામ કરી રહ્યા છે અને ધારાસભ્ય સહિતના ગોડફાધરના શરણે પહોંચી ગયા છે.









