Get The App

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ 1 - image


Botad News: બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે રખડતાં શ્વાનોએ વાડામાં પૂરેલા ઘેટાંના ટોળાં પર ઘાતકી હુમલો કર્યો હતો. 7 થી 8 જેટલા શ્વાનો એક સાથે પશુપાલકના વાડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાંનો શિકાર કર્યો હતો. ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે ચકચાર મચી છે. 

40 થી 42 જેટલા ઘેંટા ફાડી  ખાધા

ઘેંટાના માલિક અને પશુપાલક ધના સાચલાએ કહ્યું છે કે રાત્રે વાડામાં ઘેંટા(ગાડર) પૂરવામાં આવ્યા હતા, સવારે આવીને જોયું તો 40 થી 42 જેટલા ઘેંટા ફાડી ખાધેલી હાલતમાં પડ્યા હતા. મેં 7-8 જેટલા કુતરાઓને વાડામાંથી હાંકી કાઢ્યા હતા. વાડામાં અંદાજે 70ની આસપાસ ઘેંટા બાંધેલા હતા, જેમાંથી 40ના મોત થયા છે જ્યારે 5-7 જેટલા ઘાયલ થતાં તેમણે સારવાર અપાઈ છે. 

પશુ અધિકારીએ શું કહ્યું?

સમગ્ર ઘટનાની જાણ પશુ અધિકારીઓને પણ કરવામાં આવી હતી, જે બાદ રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાં તેમણે જોયું કે 'વાડામાં અંદાજે 41 જેટલા ઘેંટાના ડેડબોડી હાલતમાં હતા, જેમાં ગળાના ભાગે,પગના ભાગે અને થાપાના ભાગે શિકારી પશુઓએ હુમલો કર્યો હોય તેવું લાગતું હતું. અન્ય 6-7 ઘેટાં જીવિત હાલતમાં ઘવાયેલા હતા. જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. મૃત પશુમાંથી બેનું પોસ્ટમોર્ટમ કરાયું છે. સ્થિતિને જોતાં લાગી રહ્યું છે કે કોઈ ચેપી રોગના કારણે ઘેંટાનું મોત થયું નથી પણ શિકારી પશુઓએ મારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, આગળની તપાસ ચાલુ છે'

આ પણ વાંચો: શનિ અસ્ત થતાં આ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!

યોગ્ય વળતરની માગ

આઘાતજનક બનાવની જાણ થતાં ગામના સરપંચ અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પશુપાલકને દિલાસો આપી સંબંધિત અધિકારીઓને પીડિત પરિવારને વળતર મળે તે માટે માગ કરી હતી. એકસાથે મોટી સંખ્યામાં ઘેટાં ઘનનું મોત થતાં માલધારી પરિવાર આર્થિક પરેશાનીમાં મુકાયો છે. ગામના લોકો, જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજ ઘટના અંગે દુખ વ્યક્ત કરી રહ્યો છે.