Gujarat

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા

By GS TEAM
12 Nov 20252 mins read
બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા

જેલમાં રહેલા બુટલેગરનો કથિત પત્ર 2 માસ બાદ વાયરલ : ઉનાના ધારાસભ્ય સાથે મળીને 13થી વધુ વખત દારૂ મંગાવ્યાની નોંધ સાથે તેના 29 લાખના હિસાબનો પણ ઉલ્લેખ કરતાં ચકચાર

ઊના, : 'ઊનાના ધારાસભ્ય અમારા દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર છે' તેવો સનસનીખેજ આક્ષેપ કરતો બે મહિના પૂર્વે જેલમાંથી લખેલો બુટલેગરનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચર્ચાના વિષય સાથે રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. ભાજપના ધારાસભ્યે પત્ર મામલે જેલ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ઊના તાલુકાના ઉમેજ ગામના બુટલેગર ભગા ઉકા જાદવ સામે પોલીસ ચોપડે દસથી વધુના દારૂના કેસ નોંધાયા છે. થોડા મહિના પહેલા ગીરગઢડાના બેડીયા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી તેની વાડીના ભોંયરામાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડયા બાદ હાલ તે જૂનાગઢ જેલમાં છે. તેની સામે ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે. આ નામચીન બુટલેગર ભગા ઉકા જાદવે ગત તા.10 સપ્ટેમ્બરમાં જેલમાંથી લખેલો મનાતો એક પત્ર ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને લખ્યો હતો. આ કથિત પત્ર બે મહિના બાદ તા. 10 નવેમ્બરના સોશ્યલ મીડિયા માધ્યમથી વાયરલ થતા સનસની મચી ગઇ છે. એ કહેવાતા પત્રમાં લખાયું છે કે, 'જેલમાં સનખડાનો યોગેશ રાઠોડ મારી સાથે છે અને તેના ગામના સરપંચ રવિ રાઠોડ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાથી તેનો હિસાબ સમજવાનો બાકી હોઈ જામીન મળ્યે તમારી પાસે આવી જે બાકી છે તે તમને પરત આપી દેશું.' આ ધંધામાં સાથે મળીને 13થી વધુ વખત દમણથી દારૂ મંગાવ્યો છે અને તેના 29 લાખના હિસાબનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો છે. આ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, 'એલસીબીના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ગીર સોમનાથમાં ફરજ બજાવતા હતા ત્યારે તેનો ફોન આવેલો કે હમણાં દારૂનું કટિંગ નહીં. એ દરમ્યાન સવારે એસએમસીએ રેડ કરી હતી. આ દારૂના ધંધામાં તમે (ધારાસભ્ય) અમારા બરાબરના ભાગીદાર છો.' ભાજપના ધારાસભ્ય વિરૂધ્ધ આવા ખુલ્લા આક્ષેપો કરાયાનું વાયરલ થતાં ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ શિયાળાના પ્રારંભે જ ગરમાવા આવી ગયો છે.