Get The App

બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ 1 - image

આજે અમદાવાદમાં રમાનાર IPL ફાઇનલ મેચ માટે બુકીબજાર સજ્જ : બુકીઓએ ટુર્નામેન્ટની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સને 8માં ક્રમે મૂકી હતી, ફાયનલ માટે હોટ ફેવરિટ નહોતી ગણાતી 

રાજકોટ, : આવતીકાલ- રવિવારે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે રમાશે. આ બંને ટીમમાંથી કોણ જીતશે તેને લઇને બુકીઓ અને પંટરો પણ અવઢવમાં છે. આ જ કારણથી બુકીઓએ બંને ટીમનો ભાવ એકસરખો એટલે કે ૯૫ પૈસા ખોલ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે આમ છતાં ટુર્નામેન્ટની શરૂઆતમાં બુકીઓ તેને હોટ ફેવરિટ ગણતા ન હતા. ટુર્નામેન્ટની શરૂઆતમાં બુકીઓએ મુંબઇ ઇન્ડિયન્સને હોટ ફેવરિટ ગણી તેનો ભાવ રૂા. 2.70 ખોલ્યો હતો. તે વખતે ગુજરાત ટાઇટન્સને બુકીઓએ 8માં ંક્રમે મૂકી  હતી. તેનો ભાવ એક તબક્કે રૂા. 22 સુધી પહોંચી ગયો હતો. જ્યારે ટુર્નામેન્ટની શરૂઆતમાં આરસીબીનો ભાવ રૂા. 6 ખુલ્યો હતો. બુકી બજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત ટાઈટન્સમાં બેટીંગ લાઇનઅપ સારી ન હોવાથી તેને ફાઇનલ માટે હોટ ફેવરિટ ગણવામાં આવતી ન હતી.

જો કે શરૂઆતમાં ભલે બુકીઓએ ગુજરાત ટાઇટન્સ અને આરસીબીના ભાવો સરખા ખોલ્યા હોય પરંતુ ટોસ ઉછળ્યા પછી જ બંને ટીમનાં ભાવમાં વધઘટ થતી રહેશે, જે ટુર્નામેન્ટની આખર સુધી ચાલશે. 

આ વખતે આઈપીએલમાં સટ્ટાનાં લેખા-જોખા જોઇએ તો બુકી બજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષ કરતાં આ વખતે અંદાજે 30 ટકા ઓછો સટ્ટો રમાયો છે. તેની પાછળનું મુખ્ય કારણ છે મંદી. અન્ય ધંધાની જેમ સટ્ટા બજારને પણ મંદી નડી છે. જો કમાણીની વાત કઇ એ તો આ વખતની સીઝન નિશ્ચિત રીતે પંટરોને ફળી છે. એટલે મોટાભાગના પંટરો કમાયા છે અને બુકીઓ લોસમાં ગયા છે. તેની પાછળનું કારણ છે કે સમગ્ર ટુર્નામેન્ટનાં હાઇસ્કોરિંગ મેચીસ.

15 ઓવરમાં થતા રનને 'સેશન' અને પછી 'લંબી' કહેવાય છે

મેચ કઇ ટીમ જીતશે તેની ઉપર ઉપરાંત કેટલી ઓવરમાં કેટલા રન થશે, ક્યો પ્લેયર કેટલા રન કરશે તેની ઉપર મુખ્યત્વે સટ્ટો રમાતો હોય છે. બૂકીઓ 6, 10 અને 15 ઓવરમાં કેટલા રન થશે તેની ઉપર સટ્ટો રમાડતા હોય છે. જેને 'સેશન' કહેવાય છે. 15થી20 ઓવરમાં કેટલા રન થશે તેની ઉપર રમાતા સટ્ટોને 'લંબી' કહેવામાં આવે છે.