Get The App

ગુજરાતમાં અનેક પાસપૉર્ટ-પોસ્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્યો ઈમેઇલ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં અનેક પાસપૉર્ટ-પોસ્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્યો ઈમેઇલ 1 - image

Gujarat Bomb Threat: ગુજરાતમાં આજે (10મી માર્ચ)  અનેક પોસ્ટ ઑફિસો, પાસપૉર્ટ ઑફિસો અને કૉલેજોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઇલ મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની પોસ્ટ ઑફિસ અને પાસપૉર્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતાં જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તપાસ માટે દોડી ગઈ છે અને ઑફિસો-પરિસર ખાલી કરાવાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેઇલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરક્ષા વ્યવસ્થા સજ્જ

હાલ પૂરતું પોસ્ટ ઑફિસ અને પાસપૉર્ટ કેન્દ્રની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઈમેઇલ મળતાં જ ઑફિસમાં દોડધામ

માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઑફિસના સત્તાવાર મેઇલ આઇડી પર એક ઈમેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જેને લઈને ઑફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પોસ્ટ ઑફિસ અને પાસપૉર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે. 

અમરેલીની પોસ્ટ ઑફિસ, પાસપૉર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

અમરેલીની મુખ્ય પોસ્ટ ઑફિસ અને પાસપૉર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદની વડી કચેરી દ્વારા આ ધમકી અંગે અમરેલી કચેરીને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક પોસ્ટ ઑફિસને ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા ધમકીભર્યા ઈમેઇલ મળ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન પોલીસને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેને લઈને પોસ્ટ ઑફિસને ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત

વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઇલ મળતાં સમગ્ર કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુનિવર્સિટી સત્તાવાળાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભર્યા હતા, જ્યારે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કેમ્પસના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરી તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાસપૉર્ટ ઑફિસ, કોર્ટ અને શાળાઓને ઈમેઇલ દ્વારા બોમ્બની ધમકી મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ વડોદરાની દિવાળીપુરા કોર્ટ અને વિવિધ શાળાઓને પણ આ પ્રકારે ધમકી મળી હતી, જોકે સદનસીબે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલમાં પારુલ યુનિવર્સિટી સહિત રાજ્યની અનેક પોસ્ટ-પાસપૉર્ટ ઑફિસો ખાતે પણ પોલીસ દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ધમકીભર્યા મેસેજ પાછળના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.