જામનગરમાં GSTની તપાસમાં બોગસ બિલિંગકાંડ 500 કરોડને આંબી જશે

CAની સંડોવણી બહાર આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા : 2 ડઝન જેટલી બોગસ કંપનીઓ ઊભી કરીને ઈન્પુટ ટેકસ ક્રેડિટ વસૂલવાનું કૌભાંડ: સત્તાવાર વિગતો હવે જાહેર થશે
જામનગર, : રાજયના GST વિભાગની ટીમ દ્વારા જામનગરમાં એક સીએ દ્વારા આચરવામાં આવેલા કરોડોના કૌભાંડ અંગે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ગોટાળાનો આંકડો રૂા. 500 કરોડને આંબી જશે તેમ જાણવા મળી રહ્યું છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ સતાવાર વિગતો વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી.
રાજયના જીએસટી વિભાગની અલગ અલગ અધિકારીઓની બનેલી ટીમ દ્વારા 6 દિવસ પહેલા અહીંના બ્રહ્મા એસોસિયેટ નામની પેઢી ધરાવતા સીએ અલ્પેશ પેઢડીયાને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે શરૂઆતથી જ આ સીએ નાસી ગયા હોવાથી હજી સુધી તેનો પતો સાંપડયો નથી. આ સીએ મહાશય દ્વારા અલગ અલગ 2 ડઝન જેટલી કંપનીઓના નામે બોગસ બિલના કૌભાંડ કરીને આખરે 100 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પછી પાંચ દિવસના અંતે આ કૌભાંડનો આંકડો 500 કરોડને આંબી જશે તેમ જાણવા મળે છે. જોકે આ દરોડા અને સર્ચ કાર્યવાહી અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
જાણવા મળતી વિગતો મુજબ ઈન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ લેવા માટે બોગસ ઉત્પાદકો અને વેચાણની પેઢી ઉભી કરીને નાણાંકિય કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું જીએસટીની ઉચ્ચસ્તરિય તપાસમાં બહાર આવ્યું છે. જે અંગે સતાવાર વિગતો આગામી દિવસોમાં જાહેર થશે.








