Gujarat

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી

By GS TEAM
25 Apr 20261 min read
ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી

ટેકનિશ્યનને બોલાવી આખું મશીન ખોલાવવું પડયું : એક બાજુ કોબ્રા ફુંફાડા મારે બીજી બાજુ ડરતાં ડરતા  ટેકનિશ્યનોએ મશીન ખોલ્યું! : આખરે રેસ્ક્યુ કરી બરડામાં છોડી દેવાયો

જામખંભાળિયા, :   શિયાળાની ઠંડીમાં ભૂમિગત થઈ ગયેલા સરિસૃપો  ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહાર આવવા લાગ્યા છે. ભાણવડના રણજીતપરામાં એક કાળોતરો કોબ્રા સાપ  વોશિંગ મશીનમાં ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. 

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા ભાગવતાચાર્ય અને શિક્ષક પિયુષભાઈ જાનીના ઘરમાં કોબ્રા સાપ આવીને વોશિંગ મશીનમાં ઘૂસી જતાં ભારે ડરનો માહોલ સર્જાઈ ગયો હતો. આ વિકટ સ્થિતિ સર્જાતા તેણે સર્પવિદ શિક્ષકને બોલાવતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ઓપરેશનમાં પાડોશમાં રહેતા વોશિંગ મશીન ટેકનિશ્યન અજયભાઈ ખત્રી અને અન્ય સહાયકો મદદે આવ્યા હતા. એક બાજુ કોબ્રાના કરડવાનો ભય અને બીજી બાજુ કોબ્રાને સલામત રીતે બહાર કાઢીને રેસ્ક્યૂ કરવાની નોબત હતી.આવા કટોકટીભર્યા સમયમાં વોશિંગ મશીનના એક પછી એક પાર્ટસ ખોલતા આખરે કોબ્રા દેખાતા જ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે  કોબ્રાને સિફતથી પકડીને ફુંફાડા મારતા સાપને બરડા ડુંગર વિસ્તારમાં મુકત કરી દીધો હતો.